સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શહેરમાં ત્રણ ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણેય પ્લાન્ટનો ઈ-લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ ઓક્સિજન પ્લાન્ટ થકી દર્દીઓ માટે 3400 લીટર ઓક્સિજન ઉપલબ્ધ થશે. ઓક્સિજનના જે ત્રણ પ્લાન્ટ કાર્યરત થયા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર લિટરનો પ્લાન્ટ, એલ એન્ડ ટી કંપની દ્વારા 700 લીટર અને એસ્સાર કંપની દ્વારા 700 લીટરના (દાનમાં મળેલા) પ્લાન્ટનો સમાવેશ થાય છે. ત્રણેય પ્લાન્ટ હવાને શુદ્ધ કરે છે અને ઓક્સિજન આપે છે. એટલે કે ત્રણેય પ્લાન્ટને જોડીને દર્દીઓ માટે પ્રતિ મિનિટ 3400 લીટર ઓક્સિજન ઉપલબ્ધ બનશે. કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા ઓછી છે તેમ છતાં જો ત્રીજી લહેર આવે તો ઓક્સિજન અંગે કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે. વડાપ્રધાનની સૂચના મુજબ સરકારે ઓક્સિજન સંબંધિત તમામ તૈયારીઓ કરી લીધી છે.
વડાપ્રધાન મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટોનું લોકાર્પણ કર્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ ખાતે શહેરી વિકાસમંત્રી વિનુભાઇ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતા. જયારે સ્મીમેર હોસ્પિટલ ખાતે દંડક રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા માટે ઓક્સિજન સુવિધાનું આગોતરૂ આયોજન કર્યું છે. સરકારી હોસ્પિટલોને ઓક્સિજન પ્લાન્ટ સહિતના આરોગ્ય સંસાધનોથી સુસજ્જ કરવામાં આવી રહી છે.
રાજયની 18 જેટલી હોસ્પિટલો ખાતે PSA ઓક્સિજન પ્લાન્ટોનું સામુહિક લોકાર્પણ કર્યું હતું. જે અંતર્ગત સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.1.60 કરોડના ખર્ચે પી.એમ.કેર્સ ફંડમાંથી નિર્મિત થયેલા 4.68 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થયું છે. જેમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે રૂ. 80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન ક્ષમતાના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના ઋષિકેશથી ઇ-લોકાર્પણ દ્વારા ગુજરાતમાં ભરૂચ, પાટણ, પાલનપૂર, થરાદ, ખેડબ્રહ્મા, ભિલોડા, માણસા, વડનગર, ગોધરા, સંતરામપૂર, ગરૂડેશ્વર, ન્યૂ સિવીલ હોસ્પિટલ સુરત, સ્મીમેર હોસ્પિટલ સુરત, સોલા સિવીલ હોસ્પિટલ અને ગાંધીનગરના PSA પ્લાન્ટ જનઆરોગ્ય સેવામાં સમર્પિત કર્યા હતા. ભરૂચમાં આ PSA પ્લાન્ટના લોકાર્પણ અવસરે સાંસદ મનસુખભાઇ વસાવા, નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઇ પટેલ, પૂર્વ મંત્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ ભરૂચ જિલ્લાના વિધાયકો, અગ્રણીઓ, વરિષ્ઠ અધિકારીઓ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.