ઇઝરાયલ ઉપર થયેલા આતંકવાદી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર શનિવારે ફિલિસ્તીનના કટ્ટરપંથી સંગઠન હમાસ તરફથી કરવામાં આવેલા રોકેટ હુમલાને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, અમે નિર્દોશ પીડિતોની સાથે છીએ. પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, ઈઝરાયલમાં આતંકવાદી હુમલાની ખબરથી ખુબ દુખ થયું છે. અમારી પ્રાર્થનાઓ નિર્દોશ પીડિતો અને તેમના પરિવારજનો સાથે છે. અમે મુશ્કેલીના આ સમયમાં ઈઝરાયલ સાથે ઉભા છીએ.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈઝરાયલ ઉપર આજે શનિવારે સવારે હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમજ ગણતરીના સમયમાં હજારો રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં હમાસના આતંકવાદીઓ ઈઝરાયલમાં ઘુસીને અરાજકતા ફેલાવતા હોવાનું સામે આવ્યું છે. ઈઝરાયલ ઉપર થયેલા આતંકવાદી હુમલાની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ ગંભીર નોંધ લીધી છે. તેમજ અમેરિકા સમગ્ર ઘટના ઉપર સતત નજર રાખી રહ્યું છે. ભારતે પણ ઈઝરાયલમાં વસતા પોતાના નાગરિકોને લઈને એડવાઈઝરી જાહેર કરી છે.
ઇઝરાયલ ઉપર હમાસના હુમલા બાદ ઈઝરાયલની આર્મી પણ એક્ટિવ થઈ છે, તેમજ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ ઈઝરાયલના પીએમએ પોતાના દેશની જનતાને ઘરમાંથી બહાર નહીં નીકળતા સહિતની જરુરી સુચનાઓ આપી છે. ઈઝરાયલે હમાસની સામે યુદ્ધની જાહેરાત પણ કરી દીધી છે.
રોકેટ હુમલા પછી તરત જ, વડા પ્રધાન નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે, પીએમ અને સંરક્ષણ પ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. દેશના તમામ નાગરિકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દરેકને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “હમાસના આતંકવાદીઓએ આજે સવારે ગંભીર ભૂલ કરી અને ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓના સૈનિકો દરેક જગ્યાએ દુશ્મનો સામે લડી રહ્યા છે.