1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક નીતિ ઘડતરમાં ‘નેશન ફર્સ્ટનો ભાવ અડગ રાખ્યો છેઃ મુખ્યમંત્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક નીતિ ઘડતરમાં ‘નેશન ફર્સ્ટનો ભાવ અડગ રાખ્યો છેઃ મુખ્યમંત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક નીતિ ઘડતરમાં ‘નેશન ફર્સ્ટનો ભાવ અડગ રાખ્યો છેઃ મુખ્યમંત્રી

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભક્તિની ભાવના, દેશની વિરાસત અને વીરો ઉપર ગર્વ અને અસ્મિતાનું સિંચન કરવા માટે ‘હરઘર તિરંગા’ અને ‘મારી માટી મારો દેશ’ જેવા આગવા અભિયાનો આપી જન-જનમાં રાષ્ટ્રભાવના જાગૃત કરી છે. એટલું જ નહીં, વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન, મિશન લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્‍ટ, સ્ટેચ્યુ ઑફ યુનિટી માટે ખેડૂતના ઓજારોનું લોખંડ એકત્રીકરણ તથા કોરોના વોરિયર્સના ઉત્સાહવર્ધન જેવા અભિયાનોમાં જન ભાગીદારી જોડીને પોઝિટીવ આઉટકમ લાવનારા ગ્લોબલ લીડર બન્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની આઝાદીનો અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી અને હવે જ્યારે દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે આ ધરતીના વીર સપૂતો, ક્રાંતિકારી રત્નોને યાદ કરવા, તેમના શૌર્ય, સાહસ અને સંઘર્ષને આદર આપવા માટે તેમણે આપેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનથી દેશભરમાં રાષ્ટ્રભાવના વધુ સુદૃઢ થશે.

મુખ્યમંત્રીએ પટેલે ગુજરાતની માટીએ આપેલા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રત્નોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, દેશના દરેક રાજ્ય, પ્રાંત કે પ્રદેશ આવા હજારો સ્વાતંત્ર્ય વીરોની ગાથા સાચવીને બેઠા છે. પરતંત્રતા અને પરાધીનતામાંથી મુક્ત થવા માટે આ રાષ્ટ્રની માટીમાં પાકેલા રત્નોએ માતૃભૂમિની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપવામાં પાછીપાની કરી નહોતી આવા વીર-શહીદોની વંદના કરવા ‘માટીને નમન, વીરોને વંદન’નો અવસર વડાપ્રધાનએ આપણને આપ્યો છે.

વડાપ્રધાનએ દરેક કામોમાં, યોજનામાં જન ભાગીદારી જોડીને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલથી છેવાડાના માનવી સુધી વિકાસ કઈ રીતે પહોંચે તેવું આગવું મોડલ વિકાસની રાજનીતિથી વિકસાવ્યું છે. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પણ તેમના નેતૃત્વમાં સાકાર થયું છે. મુખ્યમંત્રીએ પોલીસ દળના ત્રણ જવાનોનું અને બે શહીદ પોલીસ જવાનોનું મરણોપરાંત ગેલેન્ટ્રી એવોર્ડથી સન્માન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યુ હતુ કે, આઝાદીની લડત લડનારા, વીર સપૂતોએ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે પોતાનું બધું જ દાવ પર લગાડી દીધું. જ્યારે વર્તમાન સમયમાં સુરાજ્ય માટે, શાંતિ સલામતી અને વિકાસના અવસરોને બરકાર રાખવા માટે પોલીસના જવાનો દિન-રાત, ખડેપગે જનસેવામાં કાર્યરત છે તેમનું ગૌરવ અને સન્માન એ રાષ્ટ્ર કાજે સમર્પિત સેવાકર્મીઓનું સન્માન છે.

ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ તમામને નમન કરતાં જણાવ્યું હતું કે, વેદથી વિજ્ઞાન સુધી વિસ્તરેલા ભારત દેશ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજે આપણા ઈસરોના વૈજ્ઞાનિકોના પુરુષાર્થ થકી ભારતનું ચંદ્રયાન-૩થી ચંદ્ર પર  ઈતિહાસ રચવા જઈ રહ્યું છે ત્યારે ભારતની માટીને પણ વંદન અને વૈજ્ઞાનિકોને પણ વંદન.

આ પ્રસંગે પંચાયત વિભાગના અગ્ર સચિવ  મોના ખંધારે આભારવિધિ કરી હતી. ‘મારી માટી, મારો દેશ’ અભિયાનના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યો, ગાંધીનગરના મેયર, મુખ્ય સચિવ  રાજકુમાર અને  ઉચ્ચ સનદી અધિકારીઓ, ભારતીય સેના, વાયુસેના, નૌકાદળ તેમજ બીએસએફના અધિકારીઓ, પોલીસદળના અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મયોગીઓ, ખેડૂતો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી થ‌ઈને દેશ ભક્તિના રંગમાં રંગાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code