- પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે કરી વાત
- યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા
- ભારતે દવાઓ સહીતની માનવતાવાદી સહાય યુક્રેનને મોકલી
દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાત કરી હતી.બંને નેતાઓએ યુક્રેનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.યુક્રેનની બગડતી પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. પીએમઓએ કહ્યું કે,વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત અને કૂટનીતિની અપીલનો પુનરોચ્ચાર કર્યો.વડાપ્રધાને બંને પક્ષો વચ્ચેની વાતચીતનું સ્વાગત કર્યું અને તમામ લોકોની મુક્ત અને સરળ અવરજવર સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો.પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોનને સંઘર્ષ વિસ્તારોમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા અને અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને દવાઓ સહિત તાત્કાલિક રાહત સામગ્રી મોકલવાના ભારતના પ્રયાસો વિશે પણ માહિતી આપી હતી.
ભારતે ટેન્ટ, ધાબળા, સર્જીકલ ગ્લોવ્સ, રક્ષણાત્મક આંખના ગિયર, પાણીના સંગ્રહની ટાંકીઓ, સ્લીપિંગ મેટ્સ, તાડપત્રીઓ અને દવાઓ સહિત બે ટન માનવતાવાદી સહાય યુક્રેનને મોકલી છે.વિદેશ મંત્રાલયના સૂત્રોએ આ માહિતી આપી છે.અગાઉ સોમવારે, યુક્રેનની વિનંતી પર ભારતે કિવને માનવતાવાદી સહાય અને તબીબી પુરવઠો મોકલવાનો નિર્ણય લીધો હતો.રશિયાના હુમલા બાદ યુક્રેનને ઘણા દેશો તરફથી મદદ મળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.વડાપ્રધાને ફ્રાંસ, પોલેન્ડના રાષ્ટ્રપતિ અને યુરોપિયન યુનિયનના પ્રમુખ સાથે પણ વાત કરી છે.વિદેશ સચિવે કહ્યું કે,જ્યારે અમે અમારી પ્રથમ એડવાઈઝરી જારી કરી હતી, તે સમયે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ હતા, ત્યારથી લગભગ 12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે.બાકીના 40 ટકા વિદ્યાર્થીઓમાંથી લગભગ અડધા સંઘર્ષ ઝોનમાં છે અને અડધા યુક્રેનની પશ્ચિમ સરહદ પર પહોંચી ગયા છે અથવા તેના માર્ગ પર છે. તેમને પણ ટૂંક સમયમાં પરત લાવવામાં આવશે