પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન બેઠા
બેંગ્લોરઃ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધ્ત્યામિક પ્રવાસ પર છે. જ્યાં તેઓ મૌન રહી વિવેકાનંદ રોક મેમોરીયલ સ્થિત મંડપમમાં ધ્યાન કરી રહ્યા છે. તેઓ આવતીકાલ 1 જુન સાંજ સુધી ધ્યાનસ્થ રહેશે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી તસ્વીરો સામે આવી હતી. જેમાં તેઓ ઉગતા સૂર્યને અર્ઘ્ય દેતા નજર આવ્યા હતા. સાથે જ તેઓ પરંપરાગત વસ્ત્રોમાં ધ્યાન કરી રહ્યા છે.
દેશમાં લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થવાનું છે. મતદાનના આ તબક્કાનો પ્રચાર સમયગાળો પૂરો થયા બાદ વડાપ્રધાન મોદી ધ્યાન કરવા કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા હતા. પીએમ આગામી 2 દિવસ કન્યાકુમારીમાં રહેશે. પીએમ મોદી અહીં લગભગ 45 કલાક વિતાવશે. પીએમ મોદી એ જ જગ્યાએ ધ્યાન કરી રહ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. પીએમ મોદીની આ મુલાકાતને લઈને કન્યાકુમારીમાં અને ખાસ કરીને વિવેકાનંદ રોક મેમોરિયલની નજીક કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કન્યાકુમારી પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી સૌથી પહેલા મા ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા.
સ્વામી વિવેકાનંદના ધ્યાન સ્થળ પર પહોંચવાની અને ધ્યાન કરવાની પીએમ મોદીની યોજના ‘વિકસિત ભારત’ના વિઝનને જીવનમાં લાવવાની પીએમ મોદીની પ્રતિબદ્ધતા દર્શાવે છે, આ તે જ સ્થાન છે જ્યાં ધાર્મિક માન્યતાઓ અનુસાર, દેવી પાર્વતી એક પગ પર બેઠા હતા. ભગવાન શિવની રાહ જોઈ હતી.