Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયું

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ભૂટાનની મુલાકાતે છે. આ દરમિયાન, તેમને ભૂતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઑફ ધ ડ્રુક ગ્યાલ્પો’ એનાયત કરવામાં આવ્યું છે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે પીએમ મોદીને આ સન્માનથી સન્માનિત કર્યા હતા. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ વિદેશી રાષ્ટ્રપ્રમુખ છે. આ સમય દરમિયાન, ભૂટાન દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે પીએમ મોદી પ્રાદેશિક અને વૈશ્વિક નેતૃત્વના ઉત્તમ અવતાર છે. તેમના નેતૃત્વમાં ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે અને 2030 સુધીમાં તે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

ભૂટાને કહ્યું, પીએમ મોદીની નેબરહુડ ફર્સ્ટ નીતિએ દક્ષિણ એશિયાને મજબૂત બનાવ્યું છે અને સામૂહિક પ્રગતિનો માર્ગ મોકળો કર્યો છે. ભૂટાન માટે આ ગૌરવની વાત છે કે, આટલા મોટા કદના રાજકારણી ભૂટાની જનતાના સાચા મિત્ર છે. વડાપ્રધાન મોદી આત્મનિર્ભરતા હાંસલ કરવા અને વિકસિત રાષ્ટ્ર બનવાના ભૂટાનના રાષ્ટ્રીય વિઝનના મજબૂત સમર્થક છે. વડા પ્રધાન મોદીની મિત્રતા અને ભૂટાનના તમામ કારણો અને પહેલ માટેના સમર્થનથી અમારા સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બન્યા છે.

ભૂટાન વતી, 17 ડિસેમ્બર 2021ના રોજ 114માં રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન ભૂટાનના રાજા દ્વારા આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન તરીકે મોદીની ભૂટાનની આ ત્રીજી મુલાકાત છે. પીએમ મોદી ભૂટાનની બે દિવસીય મુલાકાતે છે. ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ કહ્યું કે, સમગ્ર દેશ વતી, તમામ ભૂટાની લોકો વતી, હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ પુરસ્કાર વડાપ્રધાન મોદીને ભારત-ભૂતાન સંબંધોના વિકાસમાં તેમના યોગદાન અને ભૂતાન રાષ્ટ્ર અને તેના લોકો માટે તેમની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવ્યા બાદ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું હું આ 140 કરોડ ભારતીયોને સમર્પિત કરું છું.