વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી મેએ ગુજરાતના પ્રવાસે આવશે, આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કરશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓની ગુજરાતની મુલાકાતમાં વધારો થઈ રહ્યો છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આમ આદમી પારટીના અરવિંદ કેજરિવાલ, ત્યારબાદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. હવે કેજરિવાલ ફરીવાર રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યાર બાદ આગમી તા. 29મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન રાજકોટ નજીક આવેલા આટકોટમાં મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 મેના રોજ રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામે આવી રહ્યા છે. વડાપ્રધાન પહેલા 28 મેએ આવવાના હતા પરંતુ હવે 29 મેએ આટકોટ આવશે. આટકોટમાં વડાપ્રધાન મોદી 200 બેડની કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ હોસ્પિટલ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તરફથી બનાવવામાં આવી છે અને તેનું સંચાલન કરશે.
પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, 29મેએ સવારે 10 વાગ્યે વડાપ્રધાન મોદીજી આટકોટમાં નિર્માણ પામેલી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જનસંચાલિત કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ મુંજપરા, રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી, તેમજ રાજ્યના બધા જ કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 40 કરોડના ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલમાં લોકોને એકદમ રાહતદરે સારવાર મળશે. હોસ્પિટલની અંદર 24 જેટલા ઓપીડીના ડિપાર્ટમેન્ટ, ઓપરેશન થિયેટર અને રેડિયોલોજી વિભાગ લોકાર્પણ સાથે જ કાર્યરત થઈ જશે. તેમજ ત્રણ મહિના બાદ એથ્લેબ અને હાર્ટના વિભાગ સાથે આખી હોસ્પિટલ ધમધમતી કરાશે. (FILE PHOTO)