નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સપ્તાહે બે દેશો પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જશે. 45 વર્ષ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની મુલાકાત છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની પણ ઉજવણી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ તેમની પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા પર રશિયા ગયા હતા. વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) તન્મય લાલે વિદેશ મંત્રાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્કના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખે 21 અને 22ના રોજ પોલેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, આ પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીના આમંત્રણ પર પ્રધાનમંત્રી 23 ઓગસ્ટે યુક્રેનની સત્તાવાર મુલાકાત લેશે. આ એક ઐતિહાસિક મુલાકાત પણ છે, કારણ કે અમે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા પછી 30 કરતાં વધુ વર્ષોમાં આ પ્રથમ વખત હશે કે કોઈ ભારતીય પ્રાધનમંત્રી યુક્રેનની મુલાકાત લેશે. આ મુલાકાત નેતાઓ વચ્ચે તાજેતરની ઉચ્ચ સ્તરીય મંત્રણાઓ પર આધારિત હશે.
યુક્રેન સંઘર્ષ અંગેના એક પ્રશ્નના જવાબમાં સચિવ (પશ્ચિમ)એ જણાવ્યું હતું કે, ભારતની ખૂબ જ સ્પષ્ટ અને સુસંગત સ્થિતિ છે કે માત્ર મુત્સદ્દીગીરી અને વાતચીતથી જ સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે અને સ્થાયી શાંતિ થઈ શકે છે. ભારત માને છે કે બંને પક્ષોને સ્વીકાર્ય વિકલ્પો દ્વારા જ સ્થાયી શાંતિ પ્રાપ્ત કરી શકાય છે અને આ માટે સંવાદ અત્યંત આવશ્યક છે. આ માટે ભારત તમામ હિતધારકો સાથે જોડાણ કરવાનું ચાલુ રાખે છે.
મુલાકાતના પરિણામ અંગે તેમણે કહ્યું કે, ભારત અને યુક્રેનના નેતાઓ વચ્ચેની ચર્ચાઓનું પરિણામ શું આવશે તે અંગે અનુમાન લગાવવું કે પૂર્વગ્રહ કરવો એ અમારો વ્યવસાય નથી. પ્રધાનમંત્રી મોદીએ રશિયા અને યુક્રેન બંનેના નેતાઓ સાથે વાતચીત કરી છે અને પ્રધાનમંત્રીએ તાજેતરમાં રશિયાની મુલાકાત પણ લીધી હતી. ભારત આ જટિલ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવામાં મદદ કરવા માટે જરૂરી તમામ શક્ય સહાય અને યોગદાન આપવા તૈયાર છે.
#PMModi#PolandVisit#UkraineVisit#DiplomaticRelations#IndiaPoland#IndiaUkraine#InternationalRelations#ForeignPolicy#IndiaEurope#HistoricVisit#ModiInPoland#ModiInUkraine#IndiaRussia#GlobalDiplomacy#PeaceTalks