નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. યોગ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી મહિલાઓ સાથે ફોટો ક્લિક કર્યા હતા. તેમજ આ તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. આ તસવીરોમાં કાશ્મીરી મહિલાઓ પીએમ મોદી સાથે ઘણી ખુશ જોવા મળી હતી. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે, ‘આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે, યોગ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આજે કાશ્મીરની ધરતી પરથી, હું વિશ્વભરના તમામ લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવું છું.’ આ દરમિયાન વડાપ્રધાન મોદીએ હજારો લોકો સાથે યોગ કર્યા હતા.
સમગ્ર દેશમાં આજે 10માં આતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આવી હતી. નવી દિલ્લી ખાતે ઉપરાજ્યપાલ વિનય સકસેના, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજૂ, વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર, સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ યોગ કર્યા હતા. તો ઉત્તરપ્રદેશના લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, તેમજ મથુરા ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ યોગક્રિયામાં સામેલ થયા હતા.
સુરત ખાતે કેન્દ્રીય જળ મંત્રી તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ચોક બજાર ખાતે આયોજિત યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યોગ કરીને ભારતના આ અદભુત વારસાને લોકો સુધી પહોચાડવાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર રાજ્યમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી કરી હતી અને યોગ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ યોગમાં જોડાયા હતા.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં યોગ કર્યા. જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે મથુરામાં યોગ દિવસની ઉજવણી કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે દિલ્હીમાં પણ યોગ કર્યા હતા. તે જ સમયે, પીયૂષ ગોયલે મુંબઈના યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજધાની લખનૌમાં લોકો સાથે યોગ કર્યા.