Site icon Revoi.in

ચીખલીના ખૂડવેલ ગામે 12મી જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી સભાને સંબોધશે

Social Share

નવસારીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં આદિવાસી મતદારોના પ્રભુત્વવાળી 30 જેટલી બેઠકો છે. તેથી તમામ રાજકીય પક્ષોનો નેતાઓ આ વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરિવાલે ભરૂચમાં સભાને સંબોધી હતી. ત્યારબાદ દાહોદમાં રાહુલ ગાંધીએ આદિવાસી સભાને સંબોધી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી જુને ચીખલીના ખૂડવેલ ગામે આધિવાસી સભાને સંબોધશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યની 182 પૈકી મહત્તમ બેઠકો કબ્જે કરવા માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટી જોર લગાવી રહી છે અને રેલી સાથે શક્તિ પ્રદર્શનોની મૌસમ ખીલી ઉઠી છે. દરેક રાજકીય પાર્ટીના આગેવાનો ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. તેવામાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી જૂને આવશે. પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં છેલ્લા અનેક સમયથી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજ નારાજ થયો છે. લાંબા સમયથી આ મામલે રેલીઓ આવેદન પત્ર અને સરઘસ કાઢીને આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ગઢ સમાન આદિવાસી વિસ્તારોની બેઠકો કબ્જે કરવા માટે હવે ભાજપે માસ્ટર સ્ટ્રોક સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વિસ્તારમાં ઉતારીને વિરોધીઓ સામે હુકમનો એક્કો ફેક્યો છે. વાસદાં બેઠક પર કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પોતાની લોકપ્રિયતા બરકરાર રાખી શક્યા છે. જેને કારણે ભાજપે આ બેઠક કોઈપણ ભોગે કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. નવસારીના સાંસદ સીઆર પાટીલે આ બેઠક રાજકીય રીતે દત્તક પણ લીધી છે.તાજેતરમાં દાહોદમાં રાહુલ ગાંધીની સભા યોજાઇ હતી તેની સામે અંબાજીથી ઉમરગામ સુધી વસેલા આદિવાસીઓને રિઝવવા માટે હવે વડાપ્રધાન 12મી જૂને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામે આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇને વાત કન્ફર્મ કરવામાં આવી છે. આ સમગ્ર મુદ્દાને લઈને સભાસ્થળે કામગીરી પણ આરંભ કરી દેવામાં આવી છે અને જિલ્લાના તમામ કાર્યકરોને વડાપ્રધાનની મુલાકાતને લઈને તૈયારી શરૂ કરવા જાણ કરાઈ છે.