Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી મેથી બે દિવસ ગુજરાતમાં અડધો ડઝન ચૂંટણી જનસભાને સંબોધશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે પખવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે. ભાજપે પોતાની રણનીતિ મુજબ સુરતની બેઠક બિનહરિફ મેળવી લીધી છે. બાકીની 25 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.1લીમેથી બે દિવસીય ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અને બે દિવસ દરમિયાન અડધો ડઝન ચૂંટણી સભાઓને સંબોધશે.

ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની બાગડોળ સંભાળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં 1 અને 2 મેના રોજ કાર્યક્રમ ગોઠવાયો છે. જેમાં લોકસભાની 16 બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે. 1 મેના રોજ પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં સભા સંબોધશે. તેમજ  2 મેના રોજ આણંદ, વઢવાણ, જામનગર, જૂનાગઢમાં જનસભા સંબોધશે.

ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. આ વખતે ભાજપમાં આંતરિક અસંતોષ. ક્ષત્રિય સમાજની નારાજગી સહિતના પ્રશ્નો ઊભા થયા હોવાથી ચૂંટણી પ્રચારની બાગદોર મોદી સંભાળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સ્થાપના દિન એટલે કે 1લી મેથી ગુજરાત ઘમરોળશે. પોતાના બે દિવસમાં પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી 6 જંગી જનસભાને સંબોધશે. બે દિવસ ભાજપ ઉમેદવારો માટે ઝંઝાવાતી પ્રચાર કર્યાં બાદ નરેન્દ્ર મોદી સીધા 7મી મેના રોજ મતદાન કરવા માટે ગુજરાત આવશે.

ભાજપના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ પીએમ નરેન્દ્ર મોદી પહેલી મેના રોજ બપોરે સાડા 3 કલાકે ડીસામાં જનસભાને સંબોધશે. જ્યારે આજ દિવસે સાંજે સાડા પાંચ કલાકે હિંમતનગરમાં જનસભા સંબોધશે. બીજા દિવસે એટલે કે બીજી મેના રોજ નરેન્દ્ર મોદી ચાર સભાને સંબોધશે.  જેમાં સવારે 11 કલાકે આણંદ, બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગર, સવા 3 વાગ્યે જૂનાગઢ અને સાંજે 5 કલાકે જામનગરમાં જનસભાને સંબોધન કરશે.