વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ઓક્ટોબરના અંતમાં ફરીવાર બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસમાં જાહેરાત થશે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો જોરશોરથી પ્રારંભ શરૂ કરી દીધો છે. વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતમાં પણ વધારો થયો છે. ગુરૂવારે વડાપ્રધાન મોદીએ નર્મદા અને તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ઓક્ટોબર મહિનાના અંતમાં ફરી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓકટોબરના અંતમાં ફરીવાર ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ છે. એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે.જેમાં હાજરી આપવા વડાપ્રધાન 31 ઓક્ટોબરે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન કેવડિયામાં નવા પ્રોજેક્ટનું ખામુહૂર્ત અને લોકાર્પણ કરશે. ત્યારબાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જાહેર સભાઓને સંબોધશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાનનો અંતિમ પ્રવાસ હશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન મોદી દિવાળી પછી એટલે કે 31 મી ઓક્ટોબરના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ રુપે ઊજવવામાં આવે છે. આ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. કેવડિયાના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદી ઉત્તર અને મધ્ય ગુજરાતના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના આગમનને લઈને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વડાપ્રધાનની બે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનનું ફોકસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મતદારો પર રહેશે.