વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈએ ગાંધીનગરમાં G-20 સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવશે. ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપશે, તેમજ રાજ્યના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને ખાતમુર્હુત પણ કરશે. વડા પ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે પીએમના આગમનની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત સહિત દેશભરમાં G-20ના વિવિધ કાર્યક્રમોની ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન G-20ના કાર્યક્રમમાં હાજરી આપશે. આ સિવાય ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદી 28 જુલાઈએ એક દિવસ માટે ગુજરાતના પ્રવાસ પર આવશે. આ સાથે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે તેમજ અન્ય પ્રોજેક્ટનું ખાત મુર્હૂત કરશે. આ ઉપરાંત ક્લાયમેટ ચેન્જ સંદર્ભના કાર્યક્રમાં પણ હાજરી આપશે.
વડાપ્રધાન મોદી પોતાના હોમ સ્ટેટ ગણાતા ગુજરાતની સમય મળે મુલાકાત લેતા હોય છે. પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ ગુજરાત માટે સમય ફાળવતા હોય છે. વડા પ્રધાનના આગમનને લઈને લોકાર્પણ અને ઉદ્ઘાટન માટેના કામોની યાદી પણ રાજ્ય સરકારે તૈયાર કરી લીધી છે. અને રાજ્યના અધિકારીઓ પીએમઓના સંપર્કમાં રહેતા હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. પીએમ અહીં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતા અને અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન PMએ પેરિસમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે ભારતની ધરતી પણ મોટા પરિવર્તનની સાક્ષી છે. આજે સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે નવી આશા અને નવી આશાઓથી ભરેલું છે. (File photo)