નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે જમ્મુના લોકો સાથે પંચાયતી રાજ દિવસની ઉજવણી કરશે. જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રહ મોદી જમ્મુની મુલાકાતે આવશે આ દરમિયાન એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિકાસના કાર્યો અને હાયડ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2019 પહેલા અને પછીના જમ્મુ-કાશ્મીરમાં તફાવત છે. આજે જ્યારે નીતિ આયોગે રાજ્યોની યાદી બહાર પાડી છે ત્યારે તેમાં જમ્મુ અને કાશ્મીરનું નામ પણ છે. જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં વિકાસના કામો થયાં છે. જમ્મુ અને કાશ્મીર પારદર્શિતાની દ્રષ્ટિએ અગ્રણી રાજ્યોમાંનું એક છે. આ દરમિયાન મનોજ સિંહાએ એમ પણ કહ્યું કે, અમે શાંતિ ખરીદતા નથી. અમે આતંકવાદને તેના મૂળમાંથી ખતમ કરવામાં સક્ષમ છીએ.
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર વડાપ્રધાન જમ્મુ એરપોર્ટથી પલ્લી ગામ જવાના છે. આ દરમિયાન, તેઓ સમગ્ર દેશમાં લગભગ 700 પંચાયતો ઉપરાંત જમ્મુ અને કાશ્મીરના 30,000 થી વધુ પંચાયતી રાજ સંસ્થા (PRI) સભ્યોને સંબોધિત કરશે. PM મોદી 70,000 કરોડ રૂપિયાના ઔદ્યોગિક રોકાણ અને બે પાવર પ્રોજેક્ટ્સ સહિત કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરે તેવી શક્યતા છે.
પલ્લી ગામના લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાતને લઈને ઉત્સાહિત છે, જે કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ કાર્બન મુક્ત સૌર પંચાયત બનવા માટે તૈયાર છે. પાકા રસ્તાઓથી લઈને તાજેતરમાં શરૂ કરાયેલી ઈલેક્ટ્રિક બસ સેવા સુધી, જમ્મુથી માત્ર 17 કિમીના અંતરે આવેલા ગામમાં એક અદ્યતન પંચાયત ઘર, નવીનીકરણ કરાયેલ સરકારી હાઈસ્કૂલની ઈમારત, એક નવું તળાવ અને એક સુધારેલા રમતગમતના મેદાન સાથે એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે. કેન્દ્ર સરકારના ‘ગ્રામ ઉર્જા સ્વરાજ’ કાર્યક્રમ હેઠળ, સ્વચ્છ વીજળી પૂરી પાડવા કુલ 6,408 ચોરસ મીટર વિસ્તારમાં લગભગ ત્રણ અઠવાડિયાના વિક્રમજનક સમયમાં 500 kV સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.