નવી દિલ્હીઃ ગુરુવારે સાંજે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે શરૂ થયેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ધ્યાન સાધના આજે સમાપ્ત થશે. જેમાં આજે સાંજે 45 કલાક પૂર્ણ થયા બાદ ધ્યાન સાધના સમાપ્ત થશે. આજે લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં વડાપ્રધાન મોદીની વારાણસી લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે.
કન્યાકુમારીમાં ઐતિહાસિક વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમમાં ગુરુવારે સાંજે શરૂ થયેલ પ્રધાનમંત્રી મોદીનું 45 કલાકનું ધ્યાન આજે સાંજે પૂર્ણ થશે. અહીં તેમનું ધ્યાન શરૂ કરતા પહેલા, તેમણે ગુરુવારે તમિલનાડુના કન્યાકુમારીમાં ભગવતી અમ્માન મંદિરમાં પ્રાર્થના કરી.
કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ એ ઐતિહાસિક સ્થળ છે જ્યાં સ્વામી વિવેકાનંદે ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું. આ સાથે, પૌરાણિક ધાર્મિક કથાઓ અનુસાર, દેવી પાર્વતીએ પણ ભગવાન શિવની રાહ જોતી વખતે એક પગ પર તે જ સ્થાન પર ધ્યાન કર્યું હતું. આ ભારતનો દક્ષિણ છેડો છે. તે હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થળ છે.