- પીએમ મોદી આજે ગુજરાતને આપશે અનેક ભેટ
- ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક ટ્રેનનો થઈ શકે શુભારંભ
- અન્ય સેવાઓનું કરશે ઉદ્ધાટન
ગાંધીનગર: વડાપ્રધાન આજે ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી આ નવી ટ્રેન સેવાનો શુભારંભ કરશે. ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટના ચેરમેન એસ.એસ.રાઠોડ અને પશ્ચિમ રેલવેના ડીઆરએમ સુમિત અવસ્થીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે 16 જુલાઇ, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને દેશને સમર્પિત કરશે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના પાટનગર ગાંધીનગરનું મહાત્મા ગાંધી કન્વેનશન સેન્ટર એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટસ જેવા કે પ્રદર્શન, પરિષદ વગેરેના આયોજન માટેનું પસંદગીનું સ્થળ બની રહ્યું છે. આ સેન્ટર માટે યોગ્ય કનેક્ટિવિટી અને એકોમોડેશનનો અભાવ વર્તાતો હતો. પરિણામે દેશના સૌપ્રથમ રિડેવલપ કરાયેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું તથા સ્ટેશન પર 318 રૂમની હોટલનું કાર્ય સંપન્ન થયું છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉદ્દઘાટન કરશે. ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું અત્યાધુનિકરણ રૂ. 71.50 કરોડના ખર્ચે થયું છે. આ ઉપરાંત વડાપ્રધાન જે બહુવિધ યોજનાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવાના છે એમાં ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન સેવાનો શુભારંભ, મહેસાણા – વરેઠા ગેજનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ અને વિદ્યુતીકરણ, ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો શુભારંભ તથા સુરેન્દ્રનગર – પીપાવાવ સેક્શનના વિદ્યુતીકરણ પ્રોજેક્ટ સામેલ છે.
ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. રૂ. 71 કરોડના ખર્ચે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. આ સ્ટેશને વિશ્વ સ્તરની સુવિધાઓ આધુનિક એરપોર્ટની સમકક્ષ પૂરી પાડવામાં આવી છે. ખાસ ટિકિટ બુકિંગ કાઉન્ટર, રેમ્પ, લિફ્ટ્સ, સમર્પિત પાર્કિંગ્ત જગાઓ ઇત્યાદિ પૂરાં પાડીને તેને દિવ્યાંગોને અનુકૂળ સ્ટેશન બનાવવા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. સંપૂર્ણ ઇમારત ગ્રીન બિલ્ડિંગની રેટિંગ વિશેષતાઓ સાથે ડિઝાઇન થઈ છે.
વરેઠા ગેજ રૂપાંતર અને વીજળીકરણ કરાયેલ બ્રોડ ગેજ લાઇન (વડનગર સ્ટેશન સહિત) નું ઉદ્ઘાટન કરવામાં આવશે. મહેસાણા- વરેઠા 55 કિમીનું ગેજ રૂપાંતરણ રૂ. 293 કરોડના ખર્ચે, રૂ. 74 કરોડના ખર્ચે વીજાળીકરણના કામ સાથે સંપૂર્ણ થયું છે. એમાં કુલ 10 સ્ટેશનો છે જેમાં ચાર નવા વિક્સાવાયેલા સ્ટેશન બિલ્ડિંગ વિસનગર, વડનગર, ખેરાલુ અને વરેઠા છે. આ સેક્શન પર મોટું સ્ટેશન વડનગર છે જે વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ હેઠળ વિક્સાવાયું છે. વડનગર સ્ટેશનની ઇમારતને શિલાઓ કોતરીને સુંદર રીતે ડિઝાઇન કરાયું છે અને આસપાસનો વિસ્તાર લૅન્ડ્સ્કેપિંગ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર-પિપાવાવ સેક્શનનું વીજળીકરણ પ્રોજેક્ટ કુલ રૂ. 289 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટ પાલનપુર, અમદાવાદ અને દેશના અન્ય ભાગોથી પીપાવાવ બંદર સુધી ટ્રેકશન બદલ્યા વિના માલની હેરફેરને સુગમ બનાવશે. તેનાથી લૉકો ચૅન્જ ઓવર માટે અટકવાનું ટળી જવાથી અમદાવાદ, વિરમગામ અને સુરેન્દ્રનગર યાર્ડ્સ પરનું ભારણ ઘટશે.
ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજીના સચિવ શ્રી વિજય નેહરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી આવતીકાલે સાયન્સસિટીમાં નિર્માણ થયેલા ત્રણ નવીન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા આ ત્રણ પ્રકલ્પોમાં રૂ. 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી, રૂ. 127 કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂ. 14 કરોડના ખર્ચે તૈયાર થયેલ નેચર પાર્કનો સમાવેશ થાય છે.
તેમણે આ પ્રકલ્પો વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાધુનિક જાહેર એક્વાટિક્સ ગૅલરીમાં સમગ્ર દુનિયાની મુખ્ય શાર્ક્સ ધરાવતી મુખ્ય ટેન્કની સાથે વિશ્વના વિવિધ પ્રદેશોની દરિયાઇ જાતોને સમર્પિત વિવિધ ટેન્ક્સ હશે. તેમાં 28 મીટરનો બેનમૂન વૉક વૅ ટનલ પણ હશે જે અનોખો અનુભવ પૂરો પાડશે. રોબિટિક્સ ગૅલરી ઇન્ટરેક્ટિવ ગૅલરી છે જે રોબોટિક્સ ટેકનોલોજીના અગ્રણીઓને પ્રદર્શિત કરે છે અને તે મુલાકાતીઓને રોબોટિક્સના સદા આગળ વધતા ક્ષેત્રને ચકાસવાનો મંચ પૂરો પાડશે. પ્રવેશદ્વારે ટ્રાનસફોર્મર રોબોટની વિશાળ પ્રતિકૃતિ છે. ગૅલરીનું અજોડ આકર્ષણ સ્વાગત કરતો હ્યુમેનોઇડ રોબોટ છે જે મુલાકાતીઓ સાથે હર્ષ, આશ્ચર્ય અને ઉત્તેજના જેવી લાગણીઓ વ્યકત કરવાની સાથે વાત કરે છે. નેચર પાર્કમાં ધુમ્મ્સ બાગ, ચેસ ગાર્ડન, સેલ્ફી પોઇન્ટ્સ, શિલ્પ પાર્ક અને ખુલ્લી ભૂલભૂલામણી (મેઝ) જેવી ઘણી નયનરમ્ય વિશેષતાઓ છે. તેમાં બાળકો માટે ડિઝાઇન કરાયેલ રસપ્રદ ભૂલભૂલામણીનો સમાવેશ થાય છે.