Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોયકોથોનના સહભાગીઓ સાથે કરશે ચર્ચા

Social Share

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 24મી જૂને સવારે 11 વાગ્યે ટોયકાથોન-2021ના સહભાગીઓ સાથે ચર્ચા કરશે. ટોયકાથોન-2021નો હેતુ ભારતમાં રમકડાં ઉદ્યોગને વેગ આપવાનો છે જેથી આ ઉદ્યોગ રમકડાં બજારમાં વ્યાપક હિસ્સો પ્રાપ્ત કરી શકે. ભારતના ઘરેલુ બજાર અને વૈશ્વિક રમકડાં બજાર દ્વારા બહોળી તકો આપણા ઉત્પાદન ક્ષેત્રે પૂરી પાડવામાં આવે છે.

ટોયકાથોન-2021નો શુભારંભ શિક્ષણ મંત્રાલય, મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય, એમએસએમઈ મંત્રાલય, ડીપીઆઈઆઈટી, કાપડ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને એઆઈસીટીઈ દ્વારા 5મી જાન્યુઆરી, 2021ના રોજ ગેમ્સ આઈડિયાઝ અને નવીનતમ રમકડાં મોટી સંખ્યામાં લોકો પાસેથી ઉપલબ્ધ કરવા માટે કરવામાં આવ્યો હતો.

જેમાં સમગ્ર ભારતમાંથી લગભગ 1.2 લાખ સહભાગીઓએ નોંધણી કરાવી હતી અને ટોયકાથોન-2021 માટે 17000થી વધુ નવા વિચારો પૂરા પાડ્યા હતા, જેમાંથી 1567 નવતર વિચારોને ત્રણ દિવસના ઓનલાઈન ટોયકાથોન ગ્રાન્ડ ફિનાલે માટે અલગ કરવામાં આવ્યા છે, જેનું આયોજન 22 જૂનથી 24 જૂન દરમિયાન કરવામાં આવ્યું છે. કોવિડ-19ના પ્રતિબંધોના કારણે, આ ગ્રાન્ડ ફિનાલેનું આયોજન ડિજિટલ ટોય આઈડિયાઝ સાથે થયું છે, જ્યારે નોન-ડિજિટલ ટોય કન્સેપ્ટ્સ માટે અલગથી ફિઝિકલ ઈવેન્ટ યોજાશે.