અમદાવાદઃ શહેરની ઓળખ બનેલા અને સાબરમતી રિવરફ્રન્ટની શોભામાં ચાર ચાંદ લગાવતો ફુટ ઓવર બ્રિજ બનીને સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27-28મી ઓગષ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે 27મી ઓગષ્ટે વડાપ્રધાન આઈકોનિક બ્રીજનું ઈ-લોકાર્પણ કરી લોકો માટે તેને ખુલ્લો મુકશે. 300 મીટરની લંબાઈ ધરાવતા ફૂટ ઓવર બ્રિજને વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. અમદાવાદની ઓળખ બની ચૂકેલા આ આઈકોનિક ફૂટ ઓવર બ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો આ દેશનો પ્રથમ ફૂટ ઓવરબ્રિજ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરાવા જઇ રહી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટેરીયન બ્રિજ) ને તા 27મી ઓગસ્ટના રોજ લોકો માટે ખુલ્લો મુકાશે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકાર્પણ માટે આમંત્રણ અપાયું છે. વડાપ્રધાન મોદીના હસ્તે આગામી 27 ઓગષ્ટના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઇ લોકાર્પણ કરવામાં આવશે. દેશનો પ્રથમ આ પ્રકારનો ફુટ બ્રિજ હશે.
અમદાવાદની સાબરમતી નદી પર આવેલ આ આઇકોનિક પેડેસ્ટેરીયન બ્રિજ એટલે અટલ ફુટ ઓવર બ્રિજ કદાચ દેશનો પ્રથમ બ્રિજ હશે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ તા. 27 ઓગષ્ટના રોજ દેશના વડાપ્રધાનના હસ્તે ઇ લોકાર્પણ કરાશે. આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઊજવણી પરથી લીધેલી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે પૂર્વ અને પશ્ચિમ કાઠાની વચ્ચે પેડેસ્ટેરીયન સરળતાથી જોડાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સદર આઇકોનિક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે. બ્રિજ પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડના વચ્ચે પ્લાઝમાંથી થઇ પૂર્વ કાંઠે બનનારા એક્ઝિબિશન, કલ્ચરલ, આર્ટ સેન્ટરને જોડાશે. બ્રિજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટ ટ્રાફિક વગર શાંતિથી માણી શકાશે.