અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતોમાં પણ વધારો થયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીને ગુરૂવારે ફરીવાર ગુજરાતની મુલાકોત આવી રહ્યા છે.વડાપ્રધાનના હસ્તે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ હિંમતનગર ખાતે સાબર ડેરીમાં 28 જુલાઈના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે રૂ. 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરશે જયારે રૂ. 125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વરર્ચયુલ લોકાપર્ણ કરાશે આ ઉપરાંત રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનારા ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત સુકન્યા યોજના અન્વયે દીકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનારી મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે કાર્યક્રમની સાથે સાથે વડાપ્રધાન જિલ્લાના પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમજ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે
સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 1964-65માં માત્ર 19 દૂધમંડળીથી શરૂ થયેલી ડેરી આજે 1798 કાર્યરત દૂધ મંડળી ધરાવે છે. એ જ રીતે માત્ર 29 સભાસદો સાથે શરૂ થયેલી ડેરી આજે 3,84,986 સભાસદોનું સુદ્રઢ પીઠબળ ધરાવે છે.સ્થાપના સમયે એટલે કે વર્ષ 1964-65 માં માત્ર 0.05 લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરેરાશ 33.27 લાખ લીટર પ્રતિદિન દૂધનું સંપાદન કરવામાં આવી રહ્યું છે,પ્રતિદિન 40 લાખ લિટર દૂધ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ગુજરાતમાં અને 6 લાખ લિટરની ક્ષમતા હરિયાણાના રોહતક ખાતે ધરાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાબર ડેરી સાબરકાંઠા ખેડૂતોની જીવાદોરી છે. આજે સાબર ડેરી આખા દેશમાં જાણીતું નામ બની ગયું છે. આ ડેરીએ છેલ્લાં 58 વર્ષમાં ઉડીને આંખે વળગે એવી અદભુત કામગીરી કરી છે. જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી પણ બની ગઈ છે. વર્ષ 1974 -75 માં 1.135 મે.ટન સાબરદાણનું વેચાણ ચાલુ કરી અને આજે 393.34 મે.ટન સુધી પહોંચ્યું છે. સાબર ડેરી દ્વારા વર્ષ 1964 -65 માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટના રૂ. 1.10 અપાતા હતા અને આજે રૂ.860 અપાય છે, એજ પુરવાર કરે છે કે, સાબર ડેરી દ્વારા પશુપાલકોના જીવનમાં ઉજાશ આવ્યો છે.