અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 17મી એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવવાના હતા, પરંતુ કેટલાક અગત્યના કાર્યક્રમોને લીધે તેમનો ગુજરાત પ્રવાસ રદ થયો છે. 17 એપ્રિલનો વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ કેન્સલ થયો છે. તેઓ ગુજરાતમાં આવીને સૌરાષ્ટ્ર-તામિલ સંગમનો પ્રારંભ કરાવવાના હતા. પરંતુ ફોરેન ડેલિગેશન સાથે બેઠક હોવાથી. તેમજ કર્ણાટક ચૂંટણીના કારણે વડાપ્રધાનનો પ્રવાસ રદ કરાયો હોવું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 17 થી 26 દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે “સૌરાષ્ટ્ર તમિલ સંગમ ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ ” કાર્યક્રમનો પ્રારંભ કરાવવાના હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી વર્ષો પહેલા સ્થળાંતર કરીને તમિલનાડુંમાં સ્થાયી થયેલા લોકોનું પણ સન્માન કરવામાં આવશે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરી બંને દેશો વચ્ચે સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન 17મીએ ગુજરાતના પ્રવાસે આવવાના હોવાથી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ વડાપ્રધાનનો કાર્યક્રમ મુલત્વી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને અનેક તૈયારીઓ કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીના પ્લાનિંગને લઈને પણ તેમનો આ પ્રવાસ મહત્વનો ગણવામાં આવી રહ્યો હતો. હજી ગત માર્ચ મહિનામાં વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે અમદાવાદની મુલાકાત કરી હતી. તેઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકસાથે બેસીને મેચનો પ્રારંભ કરાવ્યો હતો. (FILE PHOTO)