Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મીથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, રોડ શો અને જાહેર સભાઓને સંબોધશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તો ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે ચૂંટણી પ્રચારમાં પણ વેગ આવી રહ્યો છે. મતદારોને રિઝવવા માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તથા કોંગ્રેસના રાહુલા ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના પ્રવાસે છે અને તેઓ તા. 17ના રોજ પરત ફર્યા બાદ 19મી નવેમ્બરથી ગુજરાતમાં ચૂંટણી પ્રવાસ શરુ કરશે. ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે પરંતુ તે સિવાય મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે કચ્છમાં ભાજપના ઉમેદવારોના નામાંકન સમયે હાજર રહીને બાદમાં ચૂંટણી સભા સંબોધીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યુ છે. ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ નંબરના સ્ટાર પ્રચારક ગણાય છે. ચૂંટણી જાહેર થયા પહેલા જ મોદીએ ગુજરાતમાં કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણો, ખાતમૂહુર્તો કરીને અનેક જનસભાઓને સંબોધી હતી. ત્યારબાદ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. હવે આગામી તા. 19મીએ વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રમાં ચારથી પાંચ જનસભાને સંબોધશે અને રોડ શો પણ કરશે. ત્યારબાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારક ગણાતા રાહુલ ગાંધી પણ તા. 22મી નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો ગઈ કાલે આખરી દિન હતો ત્યારે  ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને મનસુખ માંડવીયા પણ ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે હાજર રહ્યા હતા. જ્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પૂરી રીતે ગુજરાત પ્રચારનો હવાલો સંભાળી લેશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમિત શાહ  હાલ ગુજરાતમાં જ છે તેઓ પણ હવે ચૂંટણી સુધી ભાગ્યે જ રાજ્ય બહાર જશે. હિમાચલ પ્રદેશમાં મતદાન પૂર્ણ થઇ ગયું હોવાથી ભાજપને હવે ગુજરાત એકમાત્ર  ટાર્ગેટ છે.
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાલ ગુજરાતમાં છે અને તેઓ દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી જે તા. 4 ડીસેમ્બરના રોજ યોજાવાની છે તેમાં અને ગુજરાત એ બંને ઘોડા પર બેસી પ્રચાર કરશે.