Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18-19 જૂને ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 અને 19 જૂન, 2024ના રોજ ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે. 18મી જૂને સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે. સાંજે લગભગ 7 વાગ્યે પ્રધાનમંત્રી દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીના સાક્ષી બનશે. રાત્રે લગભગ 8 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન પણ કરશે. 19મી જૂને સવારે લગભગ 9.45 વાગ્યે પ્રધાનમંત્રી નાલંદાના અવશેષોની મુલાકાત લેશે. સવારે લગભગ 10.30 વાગ્યે પ્રધાનમંત્રી બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે.

ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ, પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન નિધિના 17મા હપ્તાને મંજૂરી આપતા પોતાની પહેલી ફાઈલ પર હસ્તાક્ષર કર્યા, જે ખેડૂત કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રતિબદ્ધતાને યથાવત રાખતા, પ્રધાનમંત્રી પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ લગભગ 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોને રૂ. 20,000 કરોડથી વધુની રકમનો 17મો હપ્તો જાહેર કરશે. અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ પાત્ર ખેડૂત પરિવારોને પીએમ-કિસાન અંતર્ગત રૂ. 3.04 લાખ કરોડથી વધુના લાભો મળ્યા છે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સ્વસહાય જૂથો (એસએચજી)ની 30,000થી વધુ મહિલાઓને કૃષિ સખીઓ તરીકે પ્રમાણપત્રો પણ પ્રદાન કરશે. કૃષિ સખી કન્વર્જન્સ પ્રોગ્રામ (કેએસસીપી)નો ઉદ્દેશ્ય કૃષિ સખી તરીકે ગ્રામીણ મહિલાઓને સશક્તિકરણ દ્વારા ગ્રામીણ ભારતમાં પરિવર્તન કરવાનો છે, જેમાં કૃષિ સખીઓને પેરા-એક્સ્ટેંશન વર્કર તરીકે તાલીમ અને પ્રમાણપત્ર આપવાનું સામેલ છે. આ પ્રમાણપત્ર કોર્સ “લખપતિ દીદી” કાર્યક્રમના ઉદ્દેશ્યો સાથે પણ સંરેખિત છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. યુનિવર્સિટીની કલ્પના ભારત અને પૂર્વ એશિયા સમિટ (ઈએએસ) દેશો વચ્ચેના સંયુક્ત સહયોગ તરીકે કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમારોહમાં 17 દેશોના મિશનના પ્રમુખો સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો હાજરી આપશે. કેમ્પસમાં 40 વર્ગખંડોવાળા બે શૈક્ષેણિક બ્લોક્સ છે, જેની કુલ બેઠક ક્ષમતા લગભગ 1900 છે. તેમાં બે ઓડિટોરિયમ છે જેમાં પ્રત્યેકમાં 300 બેઠકોની ક્ષમતા છે. આ ઉપરાંત લગભગ 550 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા વિદ્યાર્થી છાત્રાલય પણ છે. તેમાં ઇન્ટરનેશનલ સેન્ટર, એમ્ફીથિયેટર સહિતની અન્ય વિવિધ સુવિધાઓ પણ છે જેમાં 2000 જેટલા વ્યક્તિઓ સમાવી શકવાની ક્ષમતા છે, ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય સુવિધાઓ પણ છે.