અમદાવાદઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યાં બાદ વડોદરા પહોંચ્યાં હતા. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશાળ રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ-શોમાં વડોદરાની પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું.
પાવાગઢથી વડોદરા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત સમારંભમાં હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયન સહિતના ધર્મના ધર્મગુરુઓ જોડાયાં હતા. આ ઉપરાંત વડોદરામાં નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જોડાયાં હતા. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજના હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. અને તેઓ રાજભવન ગયા હતા. જ્યાં તેમણે કેટલાક રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. રાજભવનમાં રાત્રિ રોકાણ બાદ સવારે તેઓ માતા હિરાબાને મળવા ગયા હતા. માતા હિરાબાનો 100 જન્મ દિવસ હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પરંપરાગત અનુસાર માતાજીના જન્મદિવસની ઉજવણી કરી હતી. જે બાદ પીએમ મોદી પાવાગઢ ગયા હતા.