કેનેડાના વડા પ્રધાને યુએઈના રાષ્ટ્રપતિ સાથે આ મુદ્દાઑ પર કરી ચર્ચા
દિલ્હી: ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે કેનેડાના વડા પ્રધાને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે ઇઝરાયેલ સંઘર્ષ પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારત-કેનેડા વિવાદ પર પણ ચર્ચા કરી હતી. કેનેડિયન પીએમનું કહેવું છે કે કાયદાનું સન્માન કરવું મહત્વપૂર્ણ છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે ઇઝરાયેલની વર્તમાન પરિસ્થિતિ પર વાત કરી હતી. બંને નેતાઓએ નાગરિકોના જીવને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કેનેડાના PM એ UAE ના રાષ્ટ્રપતિ સાથે ભારત-કેનેડા વિવાદ પર પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે કાયદાના શાસનને જાળવી રાખવું અને તેનું સન્માન કરવું મહત્વપૂર્ણ છે.
કેનેડાના પીએમએ ટ્વિટર પર આ માહિતી શેર કરી છે. જસ્ટિન ટ્રુડોએ ટ્વિટ કરીને કહ્યું કે આજે મેં UAEના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી. અમે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરી છે. અમે નિજ્જર હત્યાકાંડને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદની પણ ચર્ચા કરી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે શુક્રવારે સાંજે ટ્રુડો સાથે વાત કરી હતી. બંને નેતાઓએ ભારત-કેનેડા વિવાદ પર ખુલીને ચર્ચા કરી હતી. આ દરમિયાન સુનકે આશા વ્યક્ત કરી છે કે વિવાદ જલ્દી ઓછો થશે. સુનકે કહ્યું કે દરેક દેશે રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. આ દરમિયાન ટ્રુડોએ સુનક સાથે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓ સાથે સંબંધિત સ્થિતિ અંગે નવીનતમ માહિતી શેર કરી હતી.