અમદાવાદઃ ગુજરાતની વિવિધ જેલમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનાના આરોપીઓ સજા કાપી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ સુરતની સેન્ટ્રલ જેલમાં ટીબીના અનેક કેસ આવ્યાં હતા. જેના પગલે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનએ ગુજરાત સરકાર અને જેલના વડાઓને દર છ મહિને કેદીઓનો ટીબી અને એચઆઈવી ટેસ્ટ કરવા ભલામણ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જેલમાં ટીબી અને એઈડ્સની બીમારી વધુ ન ફેલાય તેમ જ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે દર છ મહિને કેદીઓનું પરીક્ષણ કરવાની ગુજરાત સરકાર અને જેલના ડીજીને પંચે ભલામણ કરી હતી, અતિ બીમાર કેદીની સજા હળવી કરવાની બાબતને ધ્યાન પર લેવાની અને તેને સરકાર પ્રાથમિકતા આપે એવી ભલામણ પણ પંચે કરી હતી. ખાલી પડેલા હોદ્દાઓની જગ્યા ભરવા ઉપરાંત હોસ્પિટલ સહિત સેન્ટ્રલ જેલમાં કર્મચારીઓની સંખ્યા વધારવાનું પણ પંચે રાજ્ય સરકારને જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની વિવિધ જેલમાં બંધ કેદીઓને યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા જેલ સત્તાવાળાઓએ કરી છે.