ગુજરાતમાં ખાનગી ડોક્ટરોની હડતાળ:ઓપીડી,ઈમરજન્સી સહિતની સેવાઓ રહેશે બંધ
રાજકોટ:ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા રાજ્યભરની ખાનગી હોસ્પિટલો, લેબોરેટરી દ્વારા આજે સવારે 7 થી શનિવારે સવારે 7 સુધી હડતાળ પાડવામાં આવશે.રાજ્યભરના ૩૦ હજારથી વધુ તબીબો આ હડતાળમાં જોડાશે.આ હડતાળનું એલાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું છે આઇસીયુ ફરજીયાત ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાની નોટિસના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી છે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન લાગી છે, જોકે, સિવિલ હોસ્પિટલમાં રાબેતા મુજબ ઇમરજન્સી તેમજ OPD ચાલુ રાખવામાં આવી છે અને તમામ ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફને ફરજીયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટની 1000થી વધુ ખાનગી હોસ્પિટલો આજે બંધ રહેશે. જેમાં OPD, ઈમરજન્સી સહિતની તમામ સેવાઓ બંધ રહેશે.ગત વર્ષે જાહેર કરેલ ફાયરના નિયમોનું પાલન કરી મોકડ્રીલ યોજ્યા બાદ ફાયર NOC મેળવ્યાને એક વર્ષ પૂર્ણ નથી થયું ત્યાં નવા નિયમો આવ્યા જેમાં હોસ્પિટલોની અંદર ICU માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ રાખવું, કાચના એલીવેશનો દૂર કરવા, તમામ ઈલેક્ટ્રિક પોઈન્ટ વેન્ટીલેટર, એ.સી. વગેરેની દર મહિને ફરજિયાત સર્વિસ કરાવવી, ગાદલા સળગે નહીં તેવા રાખવા સહિત નવા નિયમો આવ્યા છે. જે અવ્યવહારૂ અને બિનજરૂરી છે. તેના વિરોધમાં સરકારને જગાડવા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હોવાનું રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. સંજય ભટ્ટએ જણાવ્યું હતું.