અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે બીજીબાજુ મ્યુકરમાઇકોસિસ નામનો રોગ લોકોમાં હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર દ્વારા પણ આ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સરકારે અમદાવાદમાં SVP હોસ્પિટલમાં ઈન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે સવારથી જ દર્દીનાં સ્વજનો ઈન્જેક્શન લેવા માટે SVP હોસ્પિટલ પાસે લાઈનો લગાવીને ઊભાં હતા, અને અવ્યવસ્થાને કારણે તેમને ધરમધક્કો પડ્યો હતો, પરંતુ હવે SVPને બદલે એમ્ફોટેરેસિન-બીનાં ઇન્જેક્શનનો જથ્થો LG હોસ્પિટલ ખાતેથી અપાશે એવી જાહેરાત કરવામાં આવી છે.
કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસના અમદાવાદ સહિતનાં શહેરોમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા પણ આ મુદ્દે ગંભીર નોંધ લઈને એને મહામારી જાહેર કરેલી છે. આ બધાની વચ્ચે દર્દીનો સારવારનો ખર્ચ પણ લાખો રૂપિયામાં છે. એની દવાઓ પણ હાલમાં મળવી મુશ્કેલ સમાન છે. લોકો દવાઓ માટે પણ હવાતિયાં મારી રહ્યા છે. બીજી તરફ, સરકાર દ્વારા પણ આ દવા SVP હોસ્પિટલમાં આપવાની જાહેરાત કરી હતી. એ માટે એક પ્રક્રિયોમાંથી પસાર થવાનું હોય છે. લોકોએ પોતાનાં સ્વજનોને બચાવવા માટે ઇન્જેકશન લેવા દોટ મૂકી છે, જેને લીધે આજે SVP હોસ્પિટલ બહાર લાંબી લાઈન લાગી હતી.
SVP હોસ્પિટલ ઈન્જેકશન લેવા આવેલા લોકોના જણાવ્યા અનુસાર, અહીં કઈ રીતે દવા મળશે, કોને ક્યારે મળશે એની માહિતી આપવની કોઈ વ્યવસ્થા નથી, જેને લીધે લોકો ભારે હાલાકી ભોગવી પડી હતી. એક તરફ, પોતાનાં સ્વજનોનો જીવ બચાવવા માટે પરિવારજનો ભારે તકલીફમાં મુકાયાં છે તો બીજી તરફ, અવ્યવસ્થાને કારણે વધારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મ્યુકરમાઈકોસિસની સારવાર કેન્સર અને કિડનીની બીમારી કરતાં પણ વધુ ખર્ચાળ સાબિત થઈ રહી છે. મ્યુકરમાઈકોસિસની સારવાર પાછળ દર્દીએ 1 મહિનામાં 12થી 40 લાખ સુધીનો ખર્ચ કરવો પડે છે.
સિવિલ હોસ્પિટલના સિનિયર ઈએનટી સર્જને કહ્યું હતું કે મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે હાલ લાઇપોઝોમલ ઈન્જેક્શન ઉપયોગમાં લેવાય છે. દર્દીના વજન પ્રમાણે એના ડોઝ નક્કી થાય છે. એક ઈન્જેક્શનની કિંમત 7 હજારની આસપાસ થાય છે, એટલે કે 6 ઈન્જેક્શન પાછળ કુલ ખર્ચ આશરે 42 હજાર થાય છે. એક દર્દીને 30 દિવસ સુધી સળંગ આ ડોઝ આપવો પડે છે, એટલે અંદાજે એક દર્દીને સારવાર દરમિયાન 90થી 100 ઈન્જેક્શનની જરૂર પડે છે.