Site icon Revoi.in

પોરબંદરથી રાજકોટ જતી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા બળીને ખાક

Social Share

રાજકોટઃ પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર ધોરાજી નજીક ખાનગી લકઝરી બસ રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે બસના એન્જિનની બોનેટમાંથી ધૂમાડા નીકળતા બસના ચાલકે ત્વરિત બસને રોડ સાઈડ પર ઊભી રાખીને પ્રવાસીઓને ઉતરી જવા માટે બુમ પાડી હતી, તમામ પ્રવાસીઓ બસમાંથી ઉતરી ગયા હતા. દરમિયાન બસમાં આગ લાગી હતી. અને જોતજોતામાં બસ બળીને ખાક થઈ ગઈ હતી.

પોરબંદર-રાજકોટ હાઈવે પર ધોરાજીના સુપેડી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ લાગી હતી.. પોરબંદરથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે શક્તિ ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ્સ બસ સંપૂર્ણ બળીને ખાક થઈ હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આગ લાગ્યાની જાણ થતાં જ ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ કાબૂમાં આવે એ પહેલાં જ લકઝરી બસ સંપૂર્ણ બળીને ખાક થઈ હતી. સદનસીબે બસમાં બેઠેલ તમામ પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર બનાવને લઈને લકઝરી બસના ડ્રાઇવર મનસુખ બારોટે જણાવ્યું કે, પોરબંદરથી રાજકોટ બસ જતી હતી. તે દરમિયાન બસ ધોરાજી નજીક પહોંચતા બસના એન્જિનના બોનેટમાંથી ઘૂમોડો નીકળવા લાગ્યો હતો અને વાયરિંગ શોર્ટ થતાં આગ લાગી હતી. ત્યારે બસમાં ધુમાડા નીકળતા સમયસૂચકતા દાખવી પેસેન્જર, કન્ડક્ટરને બધાને સામાન સહિત બસમાંથી નીચે ઉતારી લેવાયા હતા. જેથી કોઈ જાનહાનિ થવા પામી નહોતી.