અમદાવાદ શહેરમાં રાતના 10 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી ખાનગી લકઝરી બસોને પ્રવેશ અપાશે
અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરમાં ખાનગી પબ્લિક ટ્રાન્સપોર્ટના મોટા વાહનોને પ્રવેશબંધી હતી. ભારે વાહનો પણ શહેરમાં પ્રવેશી શકતા નહતા. આથી ટ્રાન્સપોર્ટરોએ રાત્રે ટ્રાફિક ઓછો હોય એવા સમયે ભારે વાહનોને પ્રવેશવાની છૂટ આપવાની માગણી કરવામાં આવી હતી, આ સંદર્ભે ખાનગી બસ ઓપરેટરો અને ટ્રાફિકના ડીસીપી વચ્ચે એક બેઠક પણ મળી હતી. ત્યારબાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ખાનગી ટ્રાવેલ્સ વિભાગ સાથે બેઠક કર્યા બાદ વર્ષ 2004 પછી પહેલી વાર જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વાહનોને પ્રવેશ અપાશે. પ્રાયોગિક ધોરણે એક મહિના સુધીનું જાહેરનામું બહાર પાડી ટ્રાફિક મોનીટરીંગ કરાશે. ટ્રાફિક સમસ્યા નહિ નડે તો પોલીસ જાહેરનામું કાયમી કરવા વિચારણા કરશે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ રાત્રિના 10 વાગ્યા પછીથી શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વાહનોને પ્રવેશ અપાશે. પ્રાયોગિક ધોરણે એક મહિના સુધીનું જાહેરનામું બહાર પાડી ટ્રાફિક મોનીટરીંગ કરાશે. ટ્રાફિક સમસ્યા નહિ નડે તો પોલીસ જાહેરનામું કાયમી કરવાની વિચારણા કરશે. આ જાહેરનામાના કારણે બાપુનગર ટ્રાવેલ્સ એસોસિએશનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેર કમિશ્નર અને DCP સફિન હસને ટ્રાવેલ્સ વિભાગ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. ત્યારે નવા જાહેરનામામાં રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી ટ્રાવેલ્સ બસને મંજૂરી મળી છે. પહેલા શહેરમાં રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી પ્રવેશ કરવાનો સમય હતો. જે બદલવામાં આવ્યો છે. ત્યારે 2004 પછી પહેલી વાર જાહેરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદમાં અનેક ટ્રાવેલ્સ એસોસિએશને માંગ કરી હતી કે તેમની બસોને શહેરમાં પ્રવેશ આપવામાં આવે. એસોસિએશન દ્વારા બસને શહેરમાં રાત્રે 9.30થી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 1થી 4 પ્રવેશવા દેવાની મંજૂરી આપવા માંગ કરાઈ રહી છે. એસોસિએશને જણાવ્યું હતું કે, પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સુરતની જેમ અમદાવાદમાં બસ રિંગ રોડ પર ઉભી રાખી દેવામાં આવશે. જો તેમની માંગ નહીં સંતોષાય તો 28 તારીખે અમદાવાદ શહેરમાં ટ્રાવેલ્સ બસ શહેરની અંદર લાવવામાં આવશે નહીં. રિંગ રોડથી પેસેન્જરે જાતે પોતાની વ્યવ્સ્થા કરવાની રહેશે.