અમદાવાદઃ શહેરમાં ઘણી ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી વર્ષની એક સામટી ફી શૈક્ષણિક સત્ર શરૂ થયા પહેલા ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી હતી. અને વાલીઓને સત્ર શરૂ થયા પહેલા ખાનગી સ્કૂલમાં એક સાથે ફી ભરવાની ફરજ પડતી હતી, આથી અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કરીને વાલીઓ પાસેથી વર્ષની એકસાથે ફી ન ઉઘરાવવાનો આદેશ કર્યો છે. વાલીઓ પાસેથી સત્ર શરૂ થયા પછી માત્ર 3 મહિના સુધીની જ ફી ભરી ઉઘરાવી શકાશે. જો કોઈ ખાનગી શાળા પોતાની મનમાની કરે તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને જાણ કરવા વાલીઓને અપીલ કરવામાં આવી છે. હવે ડીઈઓ દ્વારા વહેલી ફી વસુલતી શાળાઓ સામે દંડનીય અને શાળાઓની માન્યતા રદ થવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.
અમદાવાદ શહેર-જિલ્લાની કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા સત્ર શરૂ થયા અગાઉ જ વાલીઓ પાસેથી પૂરેપૂરી ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી હતી. જે અંગે DEOને જાણ થતા DEO દ્વારા પરિપત્ર કરી તમામ સ્કૂલના આચાર્ય અને સંચાલકને જાણ કરવામાં આવી છે. કે સત્ર શરૂ થયા બાદ જ ફી વસૂલવી અને એક સાથે સમગ્ર વર્ષની ફી લઈ શકાશે નહીં. સ્કૂલ વધુમાં વધુ 3 મહિનાની ફી એક સાથે લઈ શકશે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ જારી કરેલા પરિપત્રમાં શાળાના સંચાલકો અને આચાર્યને જાણ કરી છે. કે, તમામ ખાનગી સ્કૂલ FRCએ મંજૂર કરેલી ફી જ લઈ શકશે. મંજૂરીથી વધારે ફી લઈ શકાશે નહી. FRCના ઓર્ડરની નકલ વિદ્યાર્થીઓ અને વાલીઓ જોઈ શકે તે પ્રમાણે સ્કૂલની નોટિસ બોર્ડ અથવા સ્કૂલની વેબસાઈટ પર મૂકવાની રહેશે. કોઈ પણ સ્કૂલ ત્રણ મહિનાથી વધુ ફી એક સાથે નહિ લઈ શકે અને સત્ર શરૂ થયા બાદ જ ફી લઇ શકશે તે અગાઉ ફી ઉઘરાવી શકાશે નહીં,
અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ફી નિયમન કમિટી નક્કી કરે તેનાથી વધુ ફી નિયમ મુજબ લઈ શકાશે નહી. આ ઉપરાંત કેટલીક ખાનગી શાળાઓ સમગ્ર સત્રની ફી એક સાથે લે છે તે પણ લઈ શકાશે નહિ. સ્કૂલનું સત્ર શરૂ થયા બાદ જ ફી ભરવાની રહેશે. આ નિયમોનું કોઈ સ્કૂલ ઉલ્લંઘન કરે તો સ્કૂલ સામે દંડનીય અને સ્કૂલની માન્યતા રદ થવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.