ખાનગી શાળાઓને ધોરણ 1માં પ્રવેશ પ્રક્રિયા પહેલા RTEના પોર્ટલ પર માહિતી અપલોડ કરવા આદેશ
અમદાવાદઃ રાજ્યમાં ખાનગી શાળાઓમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પરિવારની ઓછી આવક હોય તેવા બાળકોને પ્રવેશ આપવામાં આવતો હોય છે. હવે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા શરૂ થાય તે અગાઉ 29 ફેબ્રુઆરી સુધી સ્કૂલોને માહિતી RTEના પોર્ટલ પર અપલોડ કરવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. આ વર્ષે RTEની પરીક્ષા ઇન્ડેક્ષ બી દ્વારા કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ આપવામાં આવ્યો છે. કે ખાનગી શાળાઓને ધોરણ-1માં પ્રવેશ પહેલા આરટીઈના પોર્ટલ પર માહિતી અપલોડ ફરજિયાત કરવી પડશે. શૈક્ષણિક વર્ષ 2024-25માં RTE ધોરણ 1માં પ્રવેશ માટે આગામી દિવસોમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તે અગાઉ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારી સૂચના આપવામાં આવી છે કે, રાઈટ ટુ એજ્યુકેશનના પોર્ટલ પર સ્કૂલોની તમામ માહિતી અપલોડ કરવાની રહેશે. આ ઉપરાંત આ વર્ષે ઈન્ડેક્સ બી દ્વારા RTEની પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. RTEની પ્રવેશ પ્રક્રિયા માટેનું પોર્ટલ પણ ઈન્ડેક્સ બી દ્વારા લાઈવ કરી આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વર્ષે ઓનલાઇન પ્રક્રિયા માટે યુઝર ID અને પાસવર્ડ જૂના રહેશે. પોર્ટલ પર લોગ થઈને સ્કૂલોની યાદી ચકાસી લેવાની રહેશે. નવી મંજૂર થયેલી સ્કૂલોની પણ યાદી ઉમેરવાની રહેશે. ધોરણ 1ની વાસ્તવિક જગ્યાની 25 ટકા બેઠક RTE હેઠળની જગ્યાઓ નિયત કરવાની રહેશે. પોર્ટલ પર બંધ થયેલી તેમજ લઘુમતી સ્કૂલો પણ બતાવવાની રહેશે.