Site icon Revoi.in

ખાનગી શાળાઓએ ઈતર પ્રવૃતિઓની ફી સાથે ટોટલ ફીમાં 25 ટકા માફી આપતા વાલીઓમાં અસંતોષ

Social Share

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે વર્ષ દરમિયાન મોટાભાગની શાળામાં શિક્ષણ કાર્ય ઓનલાઈન આપવામાં આવ્યુ હતુ. શિક્ષણ પ્રત્યક્ષ બંધ રહ્યુ હોવાથી વાલીઓએ શિક્ષણ ફીમાં રાહત આપવામાં માગણી કરી હતી. દકમિયાન સરકાર દ્વારા સ્કૂલોની ટ્યૂશન ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ અન્ય ફી ન વસૂલવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જો કે, આ આદેશ બાદ પણ શાળાઓએ મનમાની ચાલુ રાખી હતી અને વાલીઓને ઉઠાં ભણાવીને શાળાની કુલ ફીના 25 ટકા રાહત આપી હતી. આમ, વાલીઓને એમ લાગ્યું હતું કે, તેમને 25 ટકા ફી માફી મળી છે. પરંતુ ખરેખર તેમને 25 ટકા ફી માફીનો લાભ ન મળ્યો હોવાનું જાણવા મળે છે.

રાજ્યમાં કોરોનાના કેસ માર્ચ 2020થી આવ્યા બાદ સરકાર દ્વારા સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેતા વાલીઓમાં ફી લઈને માફીની રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ સરકાર દ્વારા ફી માફીનો નિર્ણય લેવાયો હતો અને તે મુદ્દે સંચાલકો કોર્ટમાં ગયા હતા. છેવટે સરકારે શાળાઓની ટ્યૂશન ફીમાં 25 ટકા માફી આપવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત સ્કૂલો ટ્યૂશન ફી સિવાયની અન્ય ફી નહીં લઈ શકે તેવી જાહેરાત થઈ હતી. આ જાહેરાત બાદ સ્કૂલ સંચાલકોએ વાલીઓને ફી માફી આપી હોવાની જાણકારી આપી હતી.

અમદાવાદની મોટાભાગની સ્કૂલો દ્વારા ટ્યૂશન ફી થકી અન્ય ફી લેવામાં આવતી હોય છે. જેમાં જીમખાના ફી, કમ્પ્યૂટર ફી, લાયબ્રેરી ફી, ડાયરી ફી, આઈડી કાર્ડ ફી સહિતની વિવિધ ફીનો સમાવેશ થાય છે. આ અન્ય ફીની રકમ પણ ખૂબ મોટી થતી હોવાથી શાળાઓ તે જતી કરવા માાગતી નથી. જ્યારે સરકારે કહ્યું કે, સ્કૂલો જ નથી શરૂ થઈ ત્યારે અન્ય ફી વસૂલી નહીં શકાય તેમ જણાવ્યું હતું. સાથે જ માત્ર ટ્યૂશન ફી ઉઘરાવી શકશે અને તેમાં પણ 25 ટકા રાહત આપવાની રહેશે તેવી જાહેરાત કરી હતી. જો કે, સ્કૂલો મોટી રકમનો ભોગ આપવા ન માગતી હોવાથી તેમણે વાલીઓને સ્કૂલની કુલ ફીના 25 ટકા રાહત આપીને છેતરપિંડી કરી હોવાના અહેવાલ છે.