પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર
અમદાવાદઃ આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. ત્યારે પક્ષ-વિપક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ફરી એકવાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે છે. આ પહેલા તેઓ વલસાડના પ્રવાસે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખાણીમાં વિશાળ જનમેદનીને સંબોધન કરી હતી. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ આ સભા ગજવી હતી. પ્રિયંકા ગાંધીની જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સભા સંબોધતા તેમણે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
તેમણે પીએમ મોદી પર નિશાન સાધતાં કહ્યું કે, ગુજરાતે પીએમ મોદીને સન્માન અને સ્વાભિમાન આપ્યું છે અને સત્તા આપી છે, પરંતુ તેઓ માત્ર મોટા લોકો સાથે જ જોવા મળે છે. શું તમે પીએમ મોદીને કોઈ ખેડૂતને મળતા જોયા છે? ખેડૂતો કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. સેંકડો ખેડૂતો શહીદ થાય છે, પરંતુ પીએમ તેમને મળવા પણ જતા નથી. પછી જેવી ચૂંટણી આવે છે અને તેમને લાગ્યું કે અમને વોટ નહીં મળે તો પીએમ મોદીએ કાયદો બદલી નાખ્યો. તેમણે વધુમાં કહ્યું કે, વિશ્વના મહાન વ્યક્તિત્વ એવા મહાત્મા ગાંધીજીનો જન્મ ગુજરાતની ધરતીમાં થયો હતો. સરદાર પટેલ જી, વીર રણછોડ રબારી જી સહિત અનેક મહાપુરુષોનો જન્મ અહીં થયો હતો. દેશના અનેક મહાપુરુષોએ આઝાદી માટે અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી. દેશને આઝાદ કર્યો અને બંધારણ આપ્યું. તેથી આપણે બધાએ બંધારણનું મહત્વ સમજવું પડશે.
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી સામે નિશાન સાધતાં કહ્યું કે આપણા વડીલોને જોઇને આપણે સભ્યતા છીએ પરંતુ પીએમ મોદીને જોતાં શું શીખવું. એ તો તદ્દન જુઠ્ઠું જ બોલતા રહે છે. દેશના વડાપ્રધાનને આવી વાતો નથી શોભતી. કોંગ્રેસ પર ભેંસ છીનવી લેવાનો આરોપ મૂકો છો. આ જુઠ્ઠાણું છે. તમે બતાવો કે છેલ્લાં 55 વર્ષોમાં અમે કોની ભેંસ છીનવી લીધી. પીએમ મોદી 10 વર્ષ શાસનમાં રહ્યા પણ અમારું જીવનધોરણ ન સુધર્યું.