કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારાર્થે નવરાત્રીમાં ગુજરાત આવશે, મહિલા સંમેલનને સંબોધશે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત નવરાત્રી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા કરાય એવી શક્યતા છે. દિલ્હીના નેતાઓના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતના આંટોફેરા પણ વધી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પણ નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મધ્ય ગુજરાતના આણંદમાં મહિલાઓની વિશાળ સભા તેમજ વડોદરામાં રોડ શો અને નવરાત્રીના ગરબાના કાર્યક્રમમાં પણ પ્રિયંકા ગાંધી હાજર રહેશે. પ્રિયંકા ગાંધીના આગમનને પગલે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં સમય આપી રહ્યા છે, ત્યારે પ્રિયંકા ગાંધી આગામી ચૂંટણીને લઈને ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. નવરાત્રિમાં પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વડોદરા અને આણંદના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે.
ગુજરાતમાં આગામી તા. 26મી સપ્ટેમ્બરખથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પ્રિયંકા ગાંધી આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ લગભગ નક્કી માનવામાં આવે છે. કેમકે કોંગ્રેસ દ્વારા તેમના કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રિયંકા ગાંધી પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને રોડ શો કરશે. તેમજ અમદાવાદમાં પણ ગરબાના કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રિયંકા ગાંધીના પ્રવાસ મુદ્દે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીને ગુજરાત પ્રવાસ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. નવરાત્રીનો સમય છે, જેથી તેઓ ગરબામાં ભાગ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 2007 માં મધ્ય ગુજરાતમાં મહિલા સંમેલન કર્યું હતું તેનો લાભ કોંગ્રેસને મળ્યો હતો. ભારત જોડો યાત્રા જ્યારે ગુજરાત નજીકથી પસાર થશે ત્યારે ગુજરાતની પ્રજાનો આશીર્વાદ યાત્રાને મળશે.
તેમણે ઉમેર્યું હતું કે, ભાજપની નિતિ અને નિયતિના કારણે દેશ વિખેરાઇ રહ્યો છે. દેશમાં આર્થિક અસમાનતાના કારણે વિસંગતતાઓ વધી રહી છે. મોંઘવારી, બેરોજગારી જેવા અનેક મુદ્દો રહેલા છે જેનાથી ભારત તૂટી રહ્યો છે. દેશમાં સમાજ સમાજ વચ્ચે ધ્રુવીકરણ વધી રહ્યું છે. દેશમાં ભયંકર રીતે રાજનીતિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આ તમામ બાબતોને ધ્યાને લઇ ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. આ યાત્રા શાંતિ સદભાવનાની યાત્રા છે.