લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ યુપીના પાટનગર લખનૌમાં પોતાનો મેગા શૉ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના બહેન તથા કોંગ્રેસના નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે લખનૌની સડકો પર રોડ શૉ યોજ્યો હતો.
રાહુલ ગાંધી આ રોડ શૉમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રફાલ યુદ્ધવિમાન સોદામાં કથિત ગોટાળાના મામલે ઘેરવાનું ચુક્યા નહીં. રોડ શૉ દરમિયાન રાહુલ ગાંધી- પ્રિયંકા અને જ્યોતિરાદિત્ય સિંધિયા બસમાં સવાર થઈને લોકોના અભિવાદન ઝીલી રહ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ બસમાંથી રફાલ વિમાનનો એક કટઆઉટ લહેરાવ્યો હતો.
તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચોકીદાર ચોર હૈના સૂત્રો પોકાર્યા હતા. મહત્વપર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રફાલના મુદ્દા પર સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરી રહ્યા છે અને તેમા કોઈ ગડબડ થઈ હોવાના આરોપો છડેચોક લગાવી રહ્યા છે. તાજેતરમાં અંગ્રેજી અખબારના બે અહેવાલો બાદ તેઓ રફાલ ડીલને લઈને આરોપો કરવામાં વધુ આક્રમક પણ બન્યા છે.
સોમવારે જ લખનૌ આવતા પહેલા રાહુલ ગાંધી આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ દ્વારા યોજવામાં આવેલા ધરણાં-પ્રદર્શનમાં સામેલ થયા હતા. અહીંથી પણ તેમણે રફાલ યુદ્ધવિમાનના સોદાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે વડપ્રધાન નરેન્દ્ર મોદીએ રફાલ ડીલમાં 30 હજાર કરોડ રૂપિયાની ચોરી કરી છે.
મહત્વપૂર્ણ છે કે પ્રિયંકા ગાંધીનો સક્રિય રાજનીતિમાં આગાજ લખનૌ રોડ શૉથી થયો છે, તેવામાં આખા દેશની નજર આ રોડ શૉ પર હતી. રાહુલ ગાંધીએ આ પ્રસંગે ફરી એકવાર રાજકીય તક ઝડપતા રફાલ ડીલના મુદ્દાને ઉઠાવીને લખનૌથી એક મોટો રાજકીય મેસેજ આપવાની કોશિશ કરી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાનો આ રોડ શૉ લગભગ બાર કિલોમીટર લાંબો હતો. તે લખનૌ એરપોર્ટથી શરૂ કરીને કોંગ્રેસના મુખ્યમથક સુધી આયોજીત કરાયો છે. રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ તરીકે પૂર્વ યુપીની અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી છે.