Site icon Revoi.in

પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ લોકસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે

Social Share

નવી દિલ્હીઃ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુનના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી કઈ બેઠક છોડશે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધી આખરે વાયનાડ છોડશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ લોકસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. મહત્ત્વનું છે કે, રાહુલ રાયબરેલીમાં 3.90 લાખ અને વાયનાડથી 3.64 લાખ મતોથી જીત્યા હતા.

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠક બાદ જાહેરાત કરી કે, રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠક છોડી દેશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. આ સાથે ખડગેએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આજની બેઠકમાં નક્કી થયું કે પ્રિયંકા ગાંધી હવે કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. રાયબરેલી બેઠકનો ગાંધી પરિવાર સાથે ગાઢ સંબંધ છે. રાયબરેલીના લોકો અને પાર્ટીના લોકોનું કહેવું છે કે રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પરથી જ સાંસદ રહેવું જોઈએ.  નિયમો અનુસાર, રાહુલ ગાંધીએ 4 જૂને જાહેર થયેલા લોકસભાના પરિણામોના 14 દિવસની અંદર એક બેઠક ખાલી કરવાની હતી. હવે જ્યારે રાહુલ ગાંધીએ રાયબરેલીમાં રહેવાનું પસંદ કર્યું છે, ત્યારે તેમની બહેન પ્રિયંકા વાયનાડની ખાલી પડેલી બેઠક પરથી પેટાચૂંટણી લડશે. નહેરુ-ગાંધી પરિવારમાંથી આવતા કૉંગ્રેસી નેતા બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા હોય, તેવું પહેલીવાર બન્યું નથી. આવું પહેલા પણ થઈ ચુક્યું છે. ઈન્દિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધી, બંને બે બેઠકો પર ચૂંટણી જીત્યા છે. ખાસ વાત એ છે કે, જેમ રાહુલ દક્ષિણ ભારતની એક અને ઉત્તર ભારતની એક બેઠક પરથી ચૂંટણી જીત્યા છે, તેવી રીતે અગાઉ ઈન્દિરા અને સોનિયા પણ જીત્યા હતા.