દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડને ખોટો કેસ માની માની રહ્યાં છે, પરંતુ જે રીતે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમ ડિજિટલ અને ફોરેન્સિક પુરાવા એકત્રિત કરી રહી છે, તે ભવિષ્યમાં કેજરીવાલ સરકાર માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે. મનીષ સિસોદિયાની પૂછપરછ બાદ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ CBI-ED તપાસ અર્થે ઓફિસ બોલાવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ કેસમાં તપાસ ટીમને મજબૂત પુરાવા મળ્યા હોવાની માહિતી મળી રહી છે.
સીબીઆઈ આ કેસમાં સત્યેન્દ્ર જૈનની તિહાર જેલમાં જઈને પૂછપરછ કરી ચૂકી છે. આબકારી વિભાગના એક અમલદારે કૌભાંડમાં પૂછપરછ દરમિયાન સીબીઆઈને નિવેદન આપ્યું હતું કે, સિસોદિયાએ તેમને કેજરીવાલના ઘરે બોલાવ્યા હતા. તે સમયે સત્યેન્દ્ર જૈન પણ ત્યાં હાજર હતા. સિસોદિયાએ તેમને મૌખિક રીતે દારૂના વેપારીઓ માટે કમિશન વધારવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવા કહ્યું હતું.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સમીર મહેન્દ્રુએ તપાસ એજન્સીને કહ્યું હતું કે કેજરીવાલે જેલમાં બંધ નાયરના ફોન પરથી ફેસ ટાઈમ પર વીડિયો કોલ કર્યો હતો અને તેને કહ્યું હતું કે વિજય નાયર તેમનો પરિચીત છે અને તેમના પર વિશ્વાસ કરે છે.
મહેન્દ્રુનો દાવો છે કે કેજરીવાલના આદેશ પર કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા. જે ગોવાની ચૂંટણીમાં ખર્ચવામાં આવ્યો હતો. EDએ આ મામલે એડવર્ટાઈઝિંગ કંપનીની પણ પૂછપરછ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, સીએમ કેજરીવાલ બંને આરોપોમાં સીધા સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.