લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી, 33 કરોડની અપ્રમાણસરની મિલકતના કરાયાં કેસ
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ પણ લાંચિયા સરકારી બાબુઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ચાલુ વર્ષે 2021માં રૂ. 33 કરોડની અપ્રમાણસરની મિલ્કતના કેસ કરવામાં આવ્યાં છે. આવી જ રીતે 2020માં રૂ. 50 કરોડના અપ્રમાણસર મિલકતના કેસ કરવામાં આવ્યાં હતા. જ્યારે 300થી વધારે લોકોની લાંચના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ના ડાયરેકટર કેશવકુમારના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ભ્રષ્ટાચારને અટકાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ અપ્રમાણસરના કેસ શોધી કાઢવા માટે સીએની પણ મદદ લેવામાં આવે છે. ચાલુ વર્ષે 2021માં 33 કરોડની અપ્રમાણસરની મિલ્કતોનાં કેસ કરવામાં આવ્યા છે. વર્ષ 2020માં 50 કરોડનાં કેસ કરવામાં આવ્યા હતા. સરકારે તપાસ માટે ખુલ્લો દોર આપતા હજુ કેસની સંખ્યામાં વધારો થશે.
રાજ્યમાં વર્ષ 2016માં 258 કેસમાં 433ની ધરપકડ કરવામાં આવી હતી. આવી જ રીતે 2017માં 148 કેસમાં 213, 2018માં 332 કેસમાં 730, 2019માં 255 કેસમાં 470 અને 2020માં 199 કેસમાં 310 વ્યક્તિઓની લાંચના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, એસીબીમાં અનેક સવલતો ઉભી કરાઈ છે. ભ્રષ્ટાચારના દૂષણને સંપૂર્ણ નષ્ટ કરવાનું છે. આવક કરતા વધુ મિલકતના કેસમાં તપાસ જરૂરી છે. એસીબીને અલગ વકીલ અને સીએ આપવામાં આવ્યા છે.