અમદાવાદઃ રાજ્યમાં ખનીજ ચોરીમાં બેરાકટાક વધારો થઈ રહ્યો છે. સરકારે ખનીજ માફિયા સામે લાલ આંખ કરીને કડક પગલાં લેવાનો આદેશ આપતા તંત્રએ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે.ખનીજના બિનઅધિકૃત ખનન, વહન, સંગ્રહ કરનારાઓ સામે ખાણ ખનીજ ખાતાએ ઝૂંબેશ આદરી છે. ખનીજ માફિયાઓ સામેના રાજ્યવ્યાપી દરોડામાં 12 જિલ્લાના 154 જેટલા સ્ટોક ધારકો દંડાયા છે. તંત્રએ રૂ.6,97 કરોડનો દંડ વસુલ કર્યો હતો.
રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી દ્વારા જણાવ્યાનુસાર આ કચેરીની ફ્લાઈંગ સ્ક્વોર્ડ તેમજ જિલ્લાઓની ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કચેરીની તપાસ ટીમો દ્વારા સંયુક્ત રીતે રાજ્યમાં ખનિજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અંગે અવારનવાર આક્સ્મિક તપાસો હાથ ધરવામાં આવતી હોય છે.
તાજેતરમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર મળી કુલ 12 જિલ્લાઓમાં ફ્લાઈંગ સ્ક્વોર્ડ તેમજ જિલ્લા કચેરીની પંદર તપાસ ટીમો દ્વારા સાદી રેતી ખનિજના કુલ 167 જેટલા સ્ટોકમાં સંયુક્ત રીતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન 154 જેટલા સ્ટોકધારકો દ્વારા 2,06,213 મેટ્રિક ટન બિનઅધિકૃત સંગ્રહ, નિકાશ સંદર્ભે રૂ. 6,97 કરોડનો દંડ વસુલ કરીને નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.