ભાજપમાં સીએમ બદલવાનો સિલસિલો, ત્રિવેન્દ્રસિંહથી લઈ ખટ્ટર સુધી 6ને બદલ્યા
નવી દિલ્હી: ભારતીચ જનતા પાર્ટીએ ફરી એકવાર મુખ્યમંત્રી બદલ્યા છે. આ વખતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને હટાવીને તેમના સ્થાને નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપે હરિયાણાના મુખ્યમંત્રીને બદલીને રાજકીય ફાયદો પ્રાપ્ત કરવાનો ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો છે. પહેલા પણ આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા છે અને હજી સુધી તેનો ફાયદો પણ મળ્યો છે. જો વાત કરીએ તો મનોહરલાલ ખટટ્ર છ્ઠ્ઠા મુખ્યમંત્રી છે કે જેમને આ રાજકીય પ્રયોગ હેઠળ હટાવાયા છે. આવો જાણીએ તેમના પહેલાના પાંચ મુખ્યમંત્રીઓ કોણ હતા..
ઉત્તરાખંડથી થઈ હતી શરૂઆત
ઉત્તરાખંડમાં આ પ્રયોગ હેઠળ સૌથી પહેલા હટાવામાં આવેલા મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત હતા. રાવત માર્ચ-2017માં સીએમ બન્યા હતા અને કાર્યકાળ પૂર્ણ થયા પહેલા જ તેમને ખુરશી છોડવી પડી હતી. તેના પછી તીરથસિંહ રાવતને મુખ્યમંત્રી બનાવાયા હતા. પણ તીરથસિંહ રાવતને માત્ર 116 દિવસ સુધી જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાનું નસીબ થયું અને તેમને હટાવીને પુષ્કરસિંહ ધામીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
ગુજરાત પણ અછૂતું નથી
ભાજપના મુખ્યમંત્રી બદલવાનો સિલસિલો ગુજરાતમાં પણ યથાવત રહ્યો હતો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ 2014માં આનંદીબહેન પટેલ સીએમ બન્યા હતા. જો કે 2 વર્ષ 77 દિવસ બાદ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવીને તેમના સ્થાને વિજય રૂપાણીને આ જવાબદારી આપવામાં આવી હતી. રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં ચૂંટણી તો જીતી, પણ કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં અને તેમના સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા હતા.
કર્ણાટકમાં યેદિયુરપ્પા અને બોમ્મઈ
કર્ણાટકમાં 2018માં બી. એસ. યેદિયુરપ્પા મુખ્યમંત્રી બન્યા, પરંતુ ત્રણ જ દિવસમાં તેમણે આ પદ છોડયું અને બદલાયેલી સ્થિતિમાં જેડીએસના એચ. ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા. લગભગ એક વર્ષ બાદ ફરીથી સત્તામાં આવ્યા બાદ ભાજપે યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ થોડાક દિવસોમાં યેદિયુરપ્પાના સ્થાને બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.