રાજકોટઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. વરસાદને લીધે નદી, તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. રાજ્યમાં તાજેતરમાં જુદી જુદી જગ્યાએ નદી, તળાવો, નહેર, દરિયામાં નહાવા પડેલા વ્યક્તિઓ ડૂબી ગયાની ઘટના બની હતી જેને ગંભીરતાથી લઇ રાજ્ય સરકારે ડૂબવાના અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે જળાશયોમાં લોકો ન પ્રવેશે તે માટે પ્રતિબંધાત્મક હુકમો બહાર પાડવા ગૃહ વિભાગે આદેશ કર્યા હતા જેના પગલે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. રાજકોટ શહેરમાં 17 ભયજનક નદી-તળાવ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ગુજરાતમાં તળાવો, નદીઓ, કેનાલો અને ડેમોમાં નહાવા જતા લોકોના ડુબી જવાના બનાવો બનતા હોય છે. ત્યારે લોકોને નદી, તળાવો, કેનાલો અને ડેમોમાં નહાવા માટે ન જવા અપિલ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામાં મુજબ શહેરના એ.ડિવિઝન પોલીસ વિસ્તારમાં આજી નદીનો કાંઠો, નવયુગપરા, ઘાંચીવાડ સ્મશાનથી કૈસરે હિંદ પુલ સુધીનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો છે તેમજ બી.ડિવિઝન વિસ્તારમાં લાલપરી તળાવ-સંત કબીર ટેકરી પાસે, આજી નદીનો કાંઠો-ભગવતીપરા, આજી નદીનો કાંઠો-બેડીપરા, આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી ડેમનો પૂર્વ બાજુનો કાંઠો-ભાવનગર હાઇવે રોડ તરફ, ખોખદડળ નદી-ખોખડદળ ગામ, રાંદરડા તળાવ-જૂના માર્કેટિંગ યાર્ડ પાસે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇશ્વરિયા પાર્ક ખાતે આવેલું તળાવ-જામનગર રોડ વગેરે નહાવા માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અટલ સરોવર-150 ફૂટ રિંગ રોડ, પરશુરામ મંદિર પાછળનું તળાવ-150 ફૂટ રિંગ રોડ, મેલડી માતાના મંદિરની સામેનું તળાવ-યુનિવર્સિટી કેમ્પસ, પ્રશિલપાર્કની પાછળનું તળાવ-યુનિવર્સિટી ચાર રસ્તા. વેજાગામ પાસે આવેલું તળાવ તથા રૈયા ગામનું તળાવ સહિત 17 જેટલાં નદી તળાવોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આમ છતાં નહાવા માટે કે મોજ મસ્તી માટે તળાવ કે નદીમાં પડનાર સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
શહેરમાં જળાશયોમાં જવા પર પ્રતિબંધ લાદતું પોલીસ કમિશનરનું જાહેરનામું અમલી બન્યું છે ત્યારે રવિવારે આજી ડેમમાં નહાવા પડેલા સાત લોકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ડેમના ઊંડા પાણીમાં નહાવા પડેલા કોઠારિયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં રહેતા પ્રવીણ વિજય ચાવડા (ઉ.વ.40), ભાવેશ પ્રતાપ ચૌહાણ (ઉ.વ.25), ધર્મેશ દલસુખ યાદવ (ઉ.વ.33), વિજય દેવજી ચાવડા (ઉ.વ.30), માંડાડુંગર નજીક રહેતા કલ્પેશ હેમંત બારૈયા (ઉ.વ.25), પરમેશ્વર શેરીમાં રહેતા રાકેશ ટીડા વાઘેલા (ઉ.વ.35) તથા શીતળાધારના મુકેશ કાંતિ વાઘેલા (ઉ.વ.29) સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે સાતેયની ધરપકડ કરી હતી.