Site icon Revoi.in

રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓને ગ્રાન્ટેડ કોલેજો સોંપી દેવાના મુદ્દે અધ્યાપકોનો વિરોધ

Social Share

અમદાવાદ: રાજ્ય સરકારે ખાનગી યુનિવર્સિટી એકટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે ગ્રાન્ટેડ કોલેજમાં સરકારી ફીના ધોરણે અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ અધ્યાપક મંડળમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજ્યની દરેક યુનિવર્સિટીમાં અધ્યાપકો કુલપતિને આવેદનપત્ર આપી સુચિત એક્ટ સામે રોષ વ્યકત કરી રહ્યા છે. સરકારના અનુદાન દ્વારા ચાલી અનેક ગ્રાન્ટેડ કોલેજો એ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે રાતોરાત આ ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓને સોંપી દેવાનો નિર્ણય એ શિક્ષણ જગત માટે યોગ્ય ન હોવાનું અધ્યાપકો કહી રહ્યા છે.

ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ યુનિવર્સિટી એન્ડ કૉલેજ ટીચર્સ ઑર્ગેનાઇઝેશનના ઝોનલ સેક્રેટરી રાજેન્દ્ર જાદવએ જણાવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીમાં સરકારી ગ્રાન્ટથી ચાલતી ગ્રાન્ટેડ કોલેજો સમાવેશ થશે ત્યારે વિદ્યાર્થીની ફીનું ધોરણ કયું હશે? અધ્યાપકોની ભરતી કયા પ્રકારે થશે? હાલમાં કાર્યરત અધ્યાપકોના તથા બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રમોશન અને પેન્શનના પ્રશ્નો કામના કલાકો અંગે સરકારની કોઇ સ્પષ્ટતા ન હોવાથી શિક્ષણ જગતમાં ખૂબ જ ચિંતાનો માહોલ છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની રૂબરૂ મુલાકાત વખતે અધ્યાપક મંડળને તેમણે જણાવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટી એકટ પ્રમાણે જે ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં આવશે તે ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના અધ્યાપકોને કોઇ નુકસાન નહીં થાય પરંતુ ખાનગી યુનિવર્સિટી એકટમાં આની સ્પષ્ટતા કરી નથી. આ સિવાય નવા એક્ટ મુજબ કેટલીક ગ્રાન્ટેડ કોલેજોએ પોતાને અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટી હસ્તક રાખવા માટે જરૂરી પ્રક્રિયા પણ હાથ ધરી છે, તો કેટલીક ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી કોલેજના સંચાલકો દ્વારા જોડાઈ જવા દબાણ કરાતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે.