ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારથી થશે રજિસ્ટ્રેશન
અમદાવાદઃ ધોરણ 12 સાયન્સના પરિણામ પહેલા જ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે 2જી એપ્રિલથી 15મી મે સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. જ્યારે ડિગ્રી ફાર્મસીમાં પણ 9મી એપ્રિલથી 28મી એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન પ્રકિયા ચાલશે. ધારણ-12 સાયન્સના જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. તેવા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
પ્રવેશ સમિતિ દ્વારા ધોરણ 12 પછીના ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી ફાર્મસીની બેઠકો માટે પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં 2જી એપ્રિલથી 15 મે સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે. જ્યારે ફાર્મસીમાં 9 એપ્રિલથી 28મી મે સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. રેગ્યુલર વિદ્યાર્થી, શિક્ષણ બોર્ડની ઇમ્પ્રૂવમેન્ટ એક્ઝામ આપનારા તેમ જ પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ વખતની પ્રવેશ કાર્યવાહીની સૌથી મહત્ત્વની બાબત એ છે કે પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન ન કરનારા નોન રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ માટે 21મીથી 25 જૂન દરમિયાન પ્રવેશ કાર્યવાહી રાખવામાં આવી છે.
પ્રવેશ સમિતિના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી ફાર્મસીની બેઠકો પર પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. સરકારી-અનુદાનિત સંસ્થાઓની માન્ય 95 ટકા બેઠકો, સ્વનિર્ભર સંસ્થાની 50 ટકા બેઠકોમાં ધો. 12ની પરીક્ષા પાસ કરી હોય, ગુજકેટની પરીક્ષામાં ઉપસ્થિત તમામ ઉમેદવારો લાયક ગણાશે. ઉપરાંત સરકારી, અનુદાનિત સંસ્થાઓની માન્ય બેઠકોની 5 ટકા બેઠકો પર ધોરણ 12 સાયન્સની પરીક્ષા પાસ કરી હોય, જેઈઈ (મેઇન) પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો લાયક રહેશે. તેમજ બોર્ડની પૂરક પરીક્ષા પાસ કરનારા, સરકારી બેઠકો માટે તૈયાર મેરિટ લિસ્ટમાં સામેલ વિદ્યાર્થીઓ કે જેમનો અગાઉ સમાવેશ કરાયો હોય છે તેવા ઉમેદવારોની બેઠક ફાળવ્યા બાદ ખાલી જગ્યા પર ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટે લાયક ગણાશે.
ગુજરાત શિક્ષણ બોર્ડની થિયરીની પરીક્ષામાં મુખ્ય ત્રણ વિષયોના થિયરીના 50 પર્સન્ટાઈલ તેમજ ગુજકેટના 50 પર્સન્ટાઈલના આધારે ઓવરઓલ મેરિટ તૈયાર કરવામાં આવશે. વિવિધ જિલ્લાઓમાં જિલ્લાદીઠ 100 જેટલાં સેન્ટરો નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકાશે. વિદ્યાર્થીઓ માટે એપ્રિલમાં 50થી વધુ પ્રવેશ માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, આ વખતે લોકસભાની ચૂંટણીને લીધે ધોરણ 10 અને 12ના પરિણામો વહેલા જાહેર કરાશે. સાથે જ કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી પણ વહેલા આટોપી લેવાતા નવા શૈક્ષણિક વર્ષથી કોલેજોમાં નિયત તારીખે શિક્ષણ કાર્ય શરૂ થઈ જશે.