Site icon Revoi.in

મતદાન મથકના 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન, વોકીટોકી વગેરે રાખવા પર પ્રતિબંધ

Social Share

અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. અમરેલી જિલ્લામાં તા.01 ડિસેમ્બર રોજ મતદાન અને મત ગણતરી તા. 8 ડિસેમ્બરના રોજ યોજાશે. ચૂંટણીપંચની સૂચના અનુસાર મતદાનના દિવસે મતદાન મથકના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિએ મોબાઇલ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી જેવા સાધનો સાથે લઇ જઇ શકશે નહિ કે સાથે રાખી શકશે નહિ. આ ઉપરાંત મતગણતરીના દિવસે મતગણતરી સ્થળે પણ સલામતીદળ દ્વારા કોર્ડન કરવામાં આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં કોઇપણ વ્યક્તિએ મોબાઇલ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી જેવા સાધનો-ઇન્સટ્રુમેન્ટ સાથે લઇ જઇ શકાશે નહિ કે સાથે રાખી શકાશે નહિ. આ પ્રકારે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, છતાં કોઇ વ્યક્તિ દ્વારા આ સૂચનાઓનું ઉલ્લંઘન કરી આ સાધનો સાથે લઇ જશે કે તેમના કબજામાથી મળી આવશે તો જપ્ત કરવામાં આવશે.

જિલ્લા મેજીસ્ટ્રેટ -અમરેલી દ્વારા ફરમાવાવમાં આવેલા હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદરૂપ થનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ સમગ્ર અમરેલી જિલ્લામાં તા. 01 ડિસેમ્બરના રોજ સમગ્ર દિવસ દરમિયાન અમલી રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં આચારસંહિતાના કડક અમલના આદેશ પણ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયુ છે. લાયસન્સ ધરાવતા હોય એવા ઈસમોને હથિયારો જમા કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસને વાહનોનું સમયાંતરે ચેકિંગ કરવાની સુચના આપવામાં આવી છે. જિલ્લામાં રાજકિય પક્ષોના બેનર્સ અને હોર્ડિગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. (file photo)