લાંબો સમય બેસી રહેવાથી સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે, ઓફિસ કર્મચારીઓ માટે મહત્વની હેલ્થ ટીપ્સ
આજના વ્યસ્ત જીવનમાં કલાકો સુધી ઓફિસમાં બેસી રહેવું એક સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ આ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવેલ એક અભ્યાસ અનુસાર ઓફિસમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થાય છે, અને તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકામાં હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં 122 ઓફિસ કર્મચારીઓનો સમાવેશ કરાયો હતો. જેમાં 68 ટકા મહિલાઓ હતી. જેમની ઉંમર સરેરાશ 40 વર્ષ હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો 8 કલાકથી વધુ સમય સુધી ઓફિસમાં બેઠા રહે છે. તેમને હૃદય રોગ, ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સરનું જોખમ વધી જાય છે.
- શારીરિક રીતે સક્રિય ન રહેવું સ્વાસ્થ્ય માટે ખતરો
અભ્યાસના મુખ્ય સંશોધક નીલ એફ. ગોર્ડનના જણાવ્યા અનુસાર, શારીરિક રીતે સક્રિય ન હોવું એ જાહેર આરોગ્યની ગંભીર સમસ્યા છે. ઓફિસમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી માત્ર તમારા સ્નાયુઓ જ નબળા નથી પડતા, પરંતુ તેનાથી બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધી શકે છે અને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. અભ્યાસના પરિણામો પછી, નિષ્ણાતોએ કેટલાક સૂચનો કર્યાં છે, જેને અપનાવીને તમે લાંબા સમય સુધી ઓફિસમાં બેસી રહેવાના નુકસાનથી બચી શકાય છે.
- સ્વસ્થ રહેવા માટે આ ટિપ્સ મહત્વપૂર્ણ
દર કલાકે ઉઠો અને ફરો: તમારી ખુરશી પરથી ઉઠો, વોક કરો, પાણી પીઓ અથવા થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો.
સ્ટેન્ડ-અપ ડેસ્કનો ઉપયોગ કરોઃ જ્યાં શક્ય હોય ત્યાં ઓફિસમાં સ્ટેન્ડ-અપ ડેસ્કનો ઉપયોગ કરો. આનાથી તમે બેસવાનો સમય ઘટાડી શકો છો.
સીડીનો ઉપયોગ કરોઃ લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવાથી તમારી શારીરિક પ્રવૃત્તિમાં વધારો થશે.
વ્યાયામ: કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો. ઓફિસ પછી નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં.
(PHOTO-FILE)