નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી ‘લૂંટાયેલા’ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરાયેલા નાણાં લોકોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે પક્ષના ઉમેદવાર અને અગાઉના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં આ વાત કહી હતી. પીએમ મોદીએ રાજમાતા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, હું કાયદાકીય સલાહ લઈ રહ્યો છું, ઈડીએ પશ્ચિમ બંગાળમાં 3000 કરોડ રૂપિયા જપ્ત કર્યાં છે. આ ગરીબોના પૈસા છે. કોઈએ ટીચક બનવા માટે પૈસા આપ્યાં છે,તો કોઈએ ક્લાર્ક બનવા માટે આપ્યાં છે. મારી ઈચ્છા છે કે, નવી સરકાર બનતાની સાથે કાયદો લાવવો પડશે અને નિયમ બનાવવો પડશે. જે ગરીબ લોકોના રૂ. 3000 કરોડ છે, આ પૈસા લાંચના સ્વરૂપમાં લેવાયેલા હતા. આ પૈસાને પરત કરવા માંગું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારના કેસ મામલામાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ બાદ તેમને સમર્થન કરનારા કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, જે લોકોએ આમ આદમી પાર્ટીની સામે ફરિયાદ કરી હતી, તેમણે હવે પોતાનું મન બદલી નાખ્યું છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈનું નામ લેવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આમ લાગી રહ્યું છે કે, તેમની પ્રાથમિકતા દેશ નહીં પરંતુ સત્તા છે. ભાજપાની આગેવાનીવાળુ ગઠબંધન યુવાનોના સારા ભવિષ્ય માટે, ભ્રષ્ટાચાર મુક્ત દેશ માટે લડી રહ્યું છે. જ્યારે બીજા ભ્રષ્ટ એકબીજાને બચાવવા માટે એક થઈ ગયા છે.