અમદાવાદઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં જુદા જુદા સંવર્ગની ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અને ઓફલાઈન અરજીની ફી લેવામાં આવે છે. હવે એએમસીને પણ મોંઘવારી નડી રહી છે. એએમસી દ્વારા ભરતી માટે ઉમેદવારો પાસેથી લેવામાં આવતી અરજી ફીમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જે ભરતી કરવામાં આવે છે તેના કરતા કોર્પોરેશનની ફી ખૂબ જ ઓછી હતી. જેથી રાજ્ય સરકારના અન્ય વિભાગોની સરખામણી કર્યા બાદ AMCમાં ઓનલાઈન અને ઓફલાઈન માટે સમાન્ય વર્ગ અને અનામત વર્ગ બંને માટે ફીમાં વધારો કરવાનો નિર્ણ લેવા અંગેની દરખાસ્ત કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ ઘણો વધારો થયો છે. સાથે જ મ્યુનિ.કોર્પોરેશનની કામગીરીમાં પણ વધારો થયો છે. એએમસીનું કરોડો રૂપિયાનું મેગા બજેટ અને રોડ-રસ્તા, આરોગ્ય, પાણી ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓના કામો કરવામાં આવતા હોય છે. જેના માટે મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. મ્યુનિના વિવિધ વિભાગોમાં સમયાંતરે ખાલી જગ્યાઓ પડતી હોય છે. અને કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હોય છે. જેમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો અરજીઓ કરતા હોય છે. હવે ઉમેદવારો પાસેથી અરજી ફીમાં તોતિંગ વધારો કરવામાં આવશે.
એએમસીના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગાઉ લેવામાં આવેલી લેખિત પરીક્ષાની કુલ આવેલી અરજીઓની સામે ગેરહાજર રહેતા ઉમેદવારોની સંખ્યાનું પ્રમાણ ઘણું જ વધારે જોવા મળે છે. પરીક્ષા લેવાનો ખર્ચ વધુ થાય છે પરંતુ ફી ઓછી વસૂલવામાં આવે છે, જેથી વધારો કરવા અંગેનો નિર્ણય AMC દ્વારા લેવાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સામાન્ય વર્ગ માટે રૂપિયા 500 અને સર્વિસ ચાર્જ તેમજ અનામત વર્ગ માટે રૂપિયા 250 અને સર્વિસ ચાર્જ લેવા અંગેની દરખાસ્ત લાવવામાં આવી છે. કોર્પોરેશનમાં આજ દિન સુધી અનામત વર્ગ માટે કોઈપણ ફી લેવાતી નહોતી પરંતુ હવેથી અનામત વર્ગને પણ અરજી ફી ચૂકવવાની રહેશે.