જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સંપર્ક ધરાવતા લગભગ 150 પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ અભિયાન શરૂ કર્યું છે. એક વર્ષ દરમિયાન અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. દરમિયાન ગુનેગારો સાથે સાંઠગાંઠ ધરાવતા તથા અન્ય ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અંદાજે 150 પોલીસકર્મી સામે તપાસ શરૂ પણ કરી દેવાઇ હોવાનું જાણવા મળે છે. તેમાંથી 10 જમ્મુના પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળે છે. તપાસમાં દોષિત ઠરનારા પોલીસકર્મીઓને સીધા સસ્પેન્ડ કરાશે.
સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, તંત્રના આદેશાનુસાર ખાતાકીય તપાસ ચાલી રહી છે. કેટલાક પોલીસ અધિકારીઓ પણ આતંકી સંગઠનોના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસની ગુપ્તચર શાખા કલંકિત અધિકારીઓ સામે તપાસ કરી રહી છે, જે પૂરી થયા બાદ સસ્પેન્શન માટે એક્સપર્ટ કમિટીને ભલામણ કરાશે. ગત વર્ષે પણ જમ્મુ-કાશ્મીર તંત્રએ કલંકિત પોલીસકર્મીઓને કડક ચેતવણી આપી હતી. પોલીસદળને વધુ કાર્યકુશળ બનાવવા માટે પણ અભિયાન છેડાશે, જે અંતર્ગત નિષ્ક્રિય કર્મીઓની પણ ઓળખ કરાઇ રહી છે. 48 વર્ષથી વધુ વયના અને 20 વર્ષથી વધારે સમય નોકરી કરી ચૂકેલા સામે તપાસ ચલાવાઇ રહી છે. આવા પોલીસકર્મી તપાસ બાદ ફરજમાં કોઇ પણ પ્રકારની બેદરકારી બદલ દોષિત જણાશે તો તેમને પણ સસ્પેન્ડ કરાશે.