સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા PGમાં 5-6ને બદલે તમામ સેમેસ્ટરના માર્ક્સને આધારે અપાતા પ્રવેશ સામે વિરોધ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધી સ્નાતકના છેલ્લા વર્ષ યા ને યુજીના 5 અને 6 સેમેસ્ટરના ગુણના આધારે પીજી (અનુસ્નાતક)માં પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ ચાલુ વર્ષે યુજીના વિદ્યાર્થીઓના 1થી6 સેમેસ્ટરના ગુણની ગણતરી કરીને પીજીમાં પ્રવેશ પ્રક્રિયા કરી દેતા વિવાદ થયો છે. આ સમગ્ર મામલે અખિલ ગુજરાત વિદ્યાર્થી સંગઠને પણ વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સામે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખને લેખિત રજૂઆત કરી હતી પરંતુ તેની સામે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની ફી ભરાઇ ગઈ છે તેથી હવે પ્રવેશ રદ ન કરી શકાય તેવો ઉડાઉ જવાબ આપી દીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ષોથી ચાલી આવતી અનુસ્નાતકમાં પ્રવેશ માટેના પરંપરા તોડીને તમામ સેમેસ્ટરના માર્કસની ગણતરી કરીને તેના મેરીટને આધારે પ્રવેશ આપવામાં આવતા વિવાદ ઊભો થયો છે. ગત વર્ષ સુધી માત્ર છેલ્લા વર્ષના બન્ને સેમેસ્ટરના માર્ક્સના આધારે પ્રવેશ અપાતો હતો. અગાઉ પણ યુનિવર્સિટીના સત્તાધીશો જુદા-જુદા મનગમતા નિયમો ઘડીને પછી બાદમાં ફરી ગયા હતા ત્યારે ફરી એક વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા મુદ્દે સત્તાધીશોને જે નિયમ ગમે તે પસંદ કરીને અમલ કરી દેવામાં આવી રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન યુનિવર્સિટીના રજિસ્ટ્રારે કહ્યું હતું કે, પીજીના પ્રવેશ માટે ભવનોના વડાની મળેલી બેઠકમાં ચર્ચા બાદ 1થી 6 સેમના ગુણના આધારે પ્રવેશ આપવા નિર્ણય થયો હતો. તેની લેખિત નોંધ કરવામાં આવી નથી. અને આ પીજી પ્રવેશમાં વિદ્યાર્થીઓએ ફી ભરી છે, જે રદ કરી શકાય નહીં. તેમજ ભવિષ્યમાં પીજી પ્રવેશ પ્રક્રિયા સંદર્ભમાં ઓર્ડિનન્સમાં બનાવવા માટે આગામી સિન્ડિકેટની સભામાં નિર્ણય અર્થે રજૂ કરાશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 779 વિદ્યાર્થીઓ પાસેથી ટેબ્લેટના પૈસા લઇ લેવાયા છે પરંતુ હજુ સુધી ટેબ્લેટ આપ્યા નથી જોકે યુનિવર્સિટી દ્વારા જણાવ્યું હતું કે 25 મેના કેસીજીમાંથી યુનિવર્સિટીને પ્રથમ હપ્તામાં કુલ 165 ટેબ્લેટ આપવામાં આવ્યા છે જે સંખ્યાના આધારે બે કોલેજોને ટેબલેટ ફાળવ્યા હતા.