વડોદરાઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન પ્રવેશ નીતિ અમલમાં આવી રહી છે. જેથી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અનામત છે. એમાં કોઈ ફેરફાર થશે તે કેમ તે અંગે યુનિવર્સિટીના સત્તાધિશો અવઢવમાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા લડતની ચીમકી અપાયા બાદ હવે વિદ્યાર્થી સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન (AGSU) દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 70 ટકા અનામત રદ કરવામાં આવશે કે, ઘટાડવામાં આવશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની વિદ્યાર્થી સંગઠને ચીમકી ઉચ્ચારી છે.
ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન (AGSU)ના કાર્યકરોએ એમ એસ યુનિવર્સિટીની હેડ ઓફિસ બહાર હાય રે મેનેજમેન્ટ હાય હાય, નહીં ચલેગી નહીં ચલેગી તાનાશાહી નહીં ચલેગી, ન્યાય આપો ન્યાય આપો વિદ્યાર્થીઓને ન્યાય આપો અને વી વોન્ટ જસ્ટીશના નારા લગાવ્યા હતા અને યુનિવર્સિટીના સત્તાધિશોને આવેદનત્ર આપીને રજૂઆત કરી હતી.
ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન (AGSU)ના વિદ્યાર્થીના નેતા પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશનમાં અનામત રદ કરવા કે ઘટાડવાની હિલચાલને લઇને અમે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ યુનિવર્સિટીની સ્થાપના જ એટલા માટે કરવામાં આવી હતી કે, વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ધો.12 પછી એમ.એસ. યુનિવર્સિટીમાં એડમિશન મળે. એ લોકોને અન્ય શહેર કે રાજ્યમાં અભ્યાસ કરવા માટે ન જવું પડે. તે હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ, હવે એવી વાત સામે આવી રહી છે કે, આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને માત્ર 50 ટકા જેટલી બેઠકો જ ફાળવવામાં આવશે. પરંતુ આ વાતને અમે સ્વીકારવા તૈયાર નથી. એમ.એસ. યુનિવર્સિટીમાં ફર્સ્ટ પ્રાયોરિટી વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને આપવી જોઇએ. કારણ કે, આ યુનિવર્સિટીની સ્થાપના જ એ હતુથી કરવામાં આવી હતી. અત્યાર સુધી એડમિશન પ્રક્રિયાનો રેશિયો હતો, તે જાળવી રાખવો જોઇએ.